ટ્રેનમાં મુસાફરી કરતી બે મહિલાના મંગળસૂત્રની ચીલ ઝડપ
બારીમાંથી હાથ નાંખી મંગળસૂત્ર તોડીને આરોપી ફરાર
વડોદરા,ટ્રેનમાં બારી પાસે બેઠેલી બે મહિલાઓના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીને આરોપી ભાગી ગયો હતો. જે અંગે વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના દૌસા જિલ્લામાં રહેતા રસાલીદેવી રામકેશભાઇ મીના અને તેમના પતિ ગત ૧૮મી તારીખે કોટા રેલવે સ્ટેશન પરથી તીરૃવનંતપુરમ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મહારાષ્ટ્રના પનવેલ જઇ રહ્યા હતા. રાત્રે પોણા એક વાગ્યે વડોદરા રેલવે ડી કેબિન યાર્ડ પાસે ટ્રેન ધીમી પડી હતી. તે દરમિયાન કોઈ ચોર બારીમાંથી હાથ નાંખી તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચાંદીની ચેન તોડીને ભાગી ગયો હતો.
જ્યારે અન્યાય બનાવની વિગત એવી છે કે, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રહેતા શોભાબેન યોગેશસિંહ ઠાકુર હાલમાં મહારાષ્ટ્રના પૂનામાં રહે છે. ગત ૧૯ મી તારીખે રાત્રે પોણા દશ વાગ્યે તેઓ ઈન્દોર રેલવે સ્ટેશનથી તીરૃવનંતપુરમ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને પૂના જવા નીકળ્યા હતા. બીજે દિવસે પહેલી સવારે પોણા પાંચ વાગ્યે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના આઉટર સિગ્નલ ઉપર ઉભી હતી. તે દરમિયાન એક ચોર બારીમાંથી હાથ નાખી તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ખેંચીને ભાગી ગયો હતો