Get The App

રાજ્યનાં તમામ ગામડે G-RAM-G સમજાવવા કાલે ફરજિયાત ગ્રામસભા

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
રાજ્યનાં તમામ ગામડે G-RAM-G સમજાવવા કાલે ફરજિયાત ગ્રામસભા 1 - image

નવી દિલ્હીથી ગ્રામીણ વિકાસ મંત્રાલયનો આદેશ દરેક ગામડાંમાં ગ્રામજનોને એકત્ર કરીને મનરેગાનાં સ્થાને લાગુ નવી યોજનાની છણાવટ : ગ્રામસભાના ફોટો-વીડિયો અપલોડ કરવા સૂચના

રાજકોટ, : સમગ્ર દેશમાં મનરેગા યોજના રદ્દ કરીને તેના સ્થાને કેન્દ્ર સરકારે નવી વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર અને આજીવિકા મિશન-ગ્રામીણ એટલે કે વીબી - જી-રામ-જી યોજનાને કાયદાનું સ્વરૂપ આપીને લાગુ કરી દીધી છે, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની 14,017 જેટલી તમામ ગ્રામ પંચાયતોમાં તા. 26મી સુધીમાં નવી યોજના અંગે જનજાગૃતિ લાવવા ફરજિયાત ગ્રામસભા યોજવાનો નવી દિલ્હીથી ગ્રામીણ વિકાસ મંત્રાલયે ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ કમિશનર કચેરીને આદેશ કર્યો છે, જે દરેક જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે. હવે આવતીકાલે નાતાલની જાહેર રજા છે, એટલે સમગ્ર રાજ્યમાં તા. 26મીએ એક સાથે દરેક ગામડાંમાં ગ્રામસભા યોજવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

ગ્રામ વિકાસ કમિશનરના પરિપત્રમાં સુચના આપવામાં આવી છે કે, રાજ્યની દરેક ગ્રામ પંચાયતમાં તા.26-12-2025 સુધીમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવું. જેમાં ગ્રામજનો, મજૂરો, મહિલાઓ, એસી-એસટી પરિવારો, અન્ય નબળા વર્ગોની સક્રિય ભાગીદારી હોવી જોઈએ. ગ્રામસભાની સંપૂર્ણ કાર્યવાહીનું દસ્તાવેજીકરણ કરવું. પંચાયત નિર્ણય એપ મારફતે સમય-ક્ષેત્ર દર્શાવતા ફોટોગ્રાફ્સ અને વીડિયો સાથે ગ્રામસભાની વિગતો અને પ્રોસિડિંગ્સનું રિયલ-ટાઈમ અપલોડિંગ કરવાનું રહેશે. નવી જી-રામ-જી યોજનામાં લાભાર્થીના હક્ક, જોગવાઈઓ અને લાભોની વ્યાપક જાગૃતિ માટે રાજ્યની દરેક ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામસભાનું આયોજન ફરજિયાત કરવાની સુચના છે.

ગ્રામીણ વિકાસ મંત્રાયલે ખાસ ગ્રામસભામાં ચર્ચા કરીને લોકોને નવી યોજના અંગે સમજાવવા માટેના મુદા પણ આપ્યા છે. જે પ્રમાણે, જી-રામ-જી યોજનાની સારી બાબતો લોકોને સમજાવવી, લાભાર્થીને મળનાર બેરોજગારી ભથ્થાનો અધિકાર, વેતનની સમયસર ચૂકવણી અને નિયમિત વધારો, ગ્રામ્ય સ્તરે આયોજનની સ્વાયતત્તા, વિભાગોનું સંકલન અને પારદર્શિતા, કૃષિ-શ્રમ સંકલન, વહીવટી ખર્ચની મર્યાદામાં વધારો, મનરેગાના ચાલુ કામો યથાવત જ રાખવા, જળ સુરક્ષા સહિત કામોની ચાર મુખ્ય શ્રેણીઓ સમજાવી વગેરેનો સમાવેશ કરાયો છે.