અક્સેર્પોર્ટ માટે ઓનલાઈન સર્ટિફિકેટ લેવાની વ્યવસ્થાને કારણે નિકાસ ઘટી જવાની દહેશત
સીડીએસઓના પરિપત્ર સામે ફાર્મા ઉદ્યોગનો વિરોધ: ઓએનડીએલએસ પોર્ટલનું ડેમોનસ્ટ્રેશન આપવા બે વાર ઉદ્યોગોને બોલાવ્યા ત્યાર બરાબર ચાલ્યુ નહોતું
ઓનલાઈન સર્ટિફિકેશન માટે સરકારી તંત્ર સંપૂર્ણપણે સ જ્જ ન હોવાથી વિલંબ થાય તો નિકાસ પર અસર પડે
ભારતીય નિકાસકારોને સમયસર પ્રમાણપત્ર ન મળે તો આયાતકાર કસ્ટમર ગુમાવી દેવાની પણ દહેશત
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર
સર્ટિફિકેટ ઓફ ફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ્સ (સીઓપીપી) મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો પરિપત્ર એકાએક સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશને કરેલા પરિપત્રને કારણે ભારતની ફાર્માસ્યૂટિકલ્સની નિકાસને ફટકો પડવાની સંભાવના હોવાની ફરિયાદ સાથે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને પણ વિરોધ નોંધાવ્યો છે. ફાર્માસ્યૂટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે ઓફ ઇન્ડિયાએ પણ તેની સામે વિરોધ નોંધાવતા કર્યું છે કે આ પરિપત્રના માધ્યમથી સીઓપીપી એટલે કે દવાઓની નિકાસ પૂર્વે લેવાનું થતું પ્રમાણપત્ર ઓનલાઈન લેવાની ફરજ પાડતી પ્રથા ઉચિત નથી. સરકારે સર્ટિફિકેશન માટે ચાલુ કરેલું ઓએનડીએલએસ પોર્ટલ બરાબર ચાલતું જ ન હોવાથી નિકાસકારો તેને માટે ઉત્સુક નથી. જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં જવા માટે સમય આપવો જરૃરી બની ગયો છે.
ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ વિરંચી શાહનું કહેવું છે કે નવતર વ્યવસ્થાના અમલ સામે ફાર્મા ઉદ્યોગને જરાય વાંધો જ નથી. સ્ટેક હોલ્ડરને સાથે લઈને, નવી વ્યવસ્થાથી પરિચિત થવા માટે ઉદ્યોગે પૂરતો સમય આપીને નવી વ્યવસ્થા લાગુ કરવામાં અને તેમને સાથે લઈને આગળ વધે તે જરુરી છે.
ક્વોલિટીના સ્ટાન્ડર્ડ વધુ ચુસ્ત કરવામાં આવ્યા હોવાથી ટ્રેડને ઓનલાઈન સર્ટિફિકેશન લેવામાં વધુ તકલીફ ન પડે તે માટે પણ નવી વ્યવસ્થાને વધુ સંગીન બનાવીને તેને અમલમાં મૂકવાની માગણી કરવામાં આવી રહી હોવાનું ફાર્માક્સિલના ડિરેક્ટર જનરલનું કહેવું છે. સરકાર નિયંત્રણને વધુ ચુસ્ત બનાવવા માગે છે. પરંતુ તેને માટે લાગુ કરવામાં આવેલા નિયંત્રણો અંગે ગેરસમજ પણ ખાસ્સી પ્રવર્તી રહી છે. આ ગેરસમજ દૂર થવી પણ એટલી જ જરૃરી છે. આ સ્થિતિમાં સીઓપીપી સમયસર ન મળે તો તેવા સંજોગોમાં આયાતકાર દેશ અન્ય દેશના નિકાસકાર પાસેથી દવાઓ મંગાવવાનું ચાલુ કરી દેશે. તેમ થશે તો નિકાસને મોટો ફટકો પડશે. તેની અસરમાંથી બહાર આવવું ત્યારબાદ કઠિન બની જશે.
નવી વ્યવસ્થા એકાએક ફરજિયાત કરી દેવામાં આવી હોવાથી નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે. પહેલા વેબસાઈટ બરાબર ચાલવી જોઈએ, ત્યારબાદ સ્ટેક હોલ્ડરનું કન્સલ્ટેશન થવું જોઈેએ. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીઝને ઓનલાઈન સર્ટિફિકેટ મેળવવાની તાલીમ આપવી જોઈએ. આ પ્રક્રિયા પૂરી થયા પછી થોડો સમય આપીને ત્યારબાદ ઓનલાઈન સર્ટિફિકેશન લાવવાની વ્યવસ્થા દાખલ કરવી જોઈએ. આ માટે દરેક સ્ટેક હોલ્ડર સાથે વિગતવાર ચર્ચા કરીને તેમના મંતવ્યો લેવા જરૃરી છે.
ઓનલાઈન સર્ટિફિકેશન મેળવવા માટે મેન્યુફેક્ચરર પહેલા પ્રોડક્ટ ડિટેઈલ અપલોડ કરે તે પછી સ્ટેટ લાઈસન્સિંગ અને સેન્ટ્રલ લાઈસન્સિંગ ઓથોરિટી તેને સમર્થન આપે ત્યારબાદ ઓનલાઈન સર્ટિફિકેશન માટે અરજી કરી શકાય છે. આ બાબતમાં ઉતાવળ કરવામાં એક્સપોર્ટ પર ખાસ્સી અસર પડવાની સંભાવના રહેલી છે. સીઓપીપી ઇશ્યૂ કરાવવા માટે અરજી કરનારને સર્ટિફિકેટ મળે તે માટેની માળખાકીય સુવિધા પણ બરાબર નથી. પહેલીવાર મુંબઈમાં સમગ્ર સિસ્ટમનું ડેમોનસ્ટ્રેશન કરાવવા માટે બેઠક બોલાવવામાં આવી ત્યારે આખી સિસ્ટમ ચાલી જ નહોતી. ત્યારબાદ ગત સપ્તાહમાં ઓનલાઈન નેશનવાઈડ બેઠક બોલાવવામાં આવી ત્યારે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશનની સિસ્ટમ બરાબર ચાલી જ નહોતી. આ સંજોગમાં પોર્ટલના ઇશ્યૂ પહેલા ઉકેલવા જોઈએ. સીઓપીપી ઇશ્યૂ કરવામાં વિલંબ થાય તો વિદેશના આાયતકારના કામ અટકી જવાની સંભાવના રહેલી છે. આ સંજોગમાં વ્યવસ્થા એકદમ સંગીન થઈ જાય તે પછી જ ઓનલાઈન સીઓપીપી આપવાની નવતર વ્યવસથામાં આગળ વધવું જોઈએ. અન્યથા નિકાસ પર મોટી અને અવળી અસર પડી શકે છે. દવાની આયાત કરનાર દરેક દેશમાં સર્ટિફિકેશનના અલગ અલગ નિયમો છે. તેમની જરૃરિયાતને કોમ્પ્લાય કરીને સર્ટિફિકેશન મેળવવાનું હોય છે. આ સ્થિતિમાં એકાએક ઓનલાઈન વ્યવસ્થા લાગુ કરવાની પદ્ધતિ બૂમરેન્ગ થઈ શકે છે.