ડી માર્ટના કેશ ઓફિસર વિરુદ્ધ મેનેજરે ચોરીની ફરિયાદ નોંધાવી
અકોટા વિસ્તારના ડી માર્ટમાં કેશ ઓફિસરે કસ્ટમરનો સામાન પરત દર્શાવી તેની રકમ ગ્રાહકને આપવાના સ્થાને પોતે રાખી લઈ ચોરી અંગેનો બનાવ અકોટા પોલીસ મથકે નોંધાયો છે. જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકોટા સયાજી નગરગૃહની બાજુમાં આવેલ ગેલેરીયા મોલના ડી માર્ટમાં આસિસ્ટન્ટ સ્ટોર મેનેજર કમલેશ પ્રસાદએ ફરિયાદ નોંધાવી હતી કે, અમારા કેશ ડિપાર્ટમેન્ટમાં કેશ ઓફિસર તરીકે ભાર્ગવ શ્યામસુંદર પુરોહિત (રહે- સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, દરાપુરા રોડ, પાદરા) કામ કરે છે. કેટલાક કિસ્સામાં ગ્રાહક સામાનની ખરીદી કર્યા બાદ પરત કરતા હોય છે. તે અંગેનો રીવ્યુ મેળવતા એક કસ્ટમરનું કહેવું હતું કે, અમે કોઈ સામાન પરત કર્યો નથી, પરંતુ અમારા સેલ્ફ રિટર્ન લિસ્ટમાં તે કસ્ટમરએ સામાન પરત આપી દીધો હોવાનું દર્શાવ્યું હતું, જેથી શંકા જતા સીસીટીવીની ચકાસણી કરી કરતા કેશ કાઉન્ટર હેન્ડલિંગ કરતો ભાર્ગવ ડ્રોવરમાંથી કેશ નીકાળતો નજરે ચડ્યો હતો, આમ અલગ અલગ દિવસે પ્રોડક્ટ પરત દર્શાવી રકમ કસ્ટમરને આપવાના સ્થાને પોતે રાખી લેતો હતો. પાછલા બે મહિનાનું રિપ્લેસ સામાન લિસ્ટ ચેક કરતા અલગ અલગ સામાન પરત બતાવી કુલ રૂ. 4289ની ચોરી થયાનું બહાર આવ્યું હતું.