- સ્ટોકમાં ફેરફાર કરીને બિલ વિના દવાનું વેચાણ કર્યું, 3 સામે ફરિયાદ
- કાઉન્ટરમાંથી જેટલા રૂપિયાની ચોરી કરે તેટલી રકમના બિલ સોફ્ટવેરમાંથી શખ્સ ડીલીટ કરી દેતો હતો
આણંદ : બોરસદ ખાતે આવેલ એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કામ કરતા મેનેજરે સાથી બે કર્મચારીઓના મેળાપીપણામાં બિલિંગમાં ઘાલમેલ કરી રૂપિયા ૨૪ લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. આ મામલે બોરસદ શહેર પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
બોરસદ ખાતે રહેતા જયપાલસિંહ રણજીતસિંહ મહિડા વ્યવસાય તબીબ છે તેઓ બોરસદ ખાતે અશ્મિ સુપર સ્પેશિયાલિટી નામની હોસ્પિટલમાં ફરજ બજાવે છે આ હોસ્પિટલમાં તેમની સાથે તબીબ મેહુલભાઈ શાહ પાર્ટનર તરીકે છે. ઓક્ટોબર ૨૦૨૨થી બોરસદના ભાદરણીયાના કેતનકુમાર રમેશભાઈ ડાભી મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેઓની સાથે અજયસિંહ ભરતસિંહ મહિડા (રહે ગાંજણા) અને ચિરાગકુમાર રાકેશભાઈ ચાવડા (રહે દાઓલ) પણ નોકરી કરતા હતા. ચેતનકુમાર ડાભી હોસ્પિટલના ફાર્મસીમાં મેનેજર તરીકે કામ કરતા હતા.હોસ્પિટલના વહીવટ માટે સોફ્ટવેરની યુઝર આઇડી હોસ્પિટલમાં કામ કરતા દરેક કર્મચારી પાસે હતું અને તબીબ પાસે આ સોફ્ટવેરના રાઈટ છે. જેમાં તેઓ હિસાબ કિતાબ અંગે ફેરબદલ કરી શકે છે.ગત તારીખ પહેલી ઓગસ્ટના રોજ ડોક્ટર જયપાલસિંહ સોફ્ટવેરમાં હિસાબ જોઈ રહ્યા હતા ત્યારે બિલમાં ઘટ થતી જોવા મળ્યું હતું. જે અંગે પાર્ટનર મેહુલભાઈને તેઓએ જાણ કરી હતી. જેથી જે તે સમયે ફરજ ઉપર હાજર અજયસિંહ ને આ અંગે પૂછતા તેઓએ ચેતનભાઇએ સોફ્ટવેરમાંથી બિલ ડિલીટ કર્યા હોવાનું કહ્યું હતું. જે અંગે તપાસ કરતા ચેતનને જેટલા પૈસાની ચોરી કરવી હોય તેટલા પૈસા કેસ કાઉન્ટરમાંથી ચોરી કરી તેટલી જ રકમના બિલ સોફ્ટવેરમાંથી ડીલીટ કરી દેતો હોવાનું અજય જણાવ્યું હતું.
આ અંગે તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. બાદમાં સોફ્ટવેર કંપનીના માણસ પાસે તપાસ કરાવતા ચેતને તારીખ ૧૪.૮. ૨૦૨૩ થી ૩૧.૭.૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન કેટલાક બિલો ડીલીટ કરી તબક્કા વાર ૨૪ લાખથી વધુના બિલ ડીલીટ કરી પૈસા લઈ લીધા હોવાનું જાણવા મળ્યું હતું. જે માટે સોફ્ટવેર આઇડીના પાસવર્ડના રાઈટસ કોઈ રીતે મેળવી આ રકમની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટોકમાં ફેરફાર કરી બિલ વગર દવાઓનું વેચાણ કરતો હોવાનું અને દવાઓના વેચાણ થાકી મેળવેલી પૈસા ચેતન ચિરાગ અને અજય અંગત ખર્ચમાં વાપરી નાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ ત્રણેયને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ તબીબ મેહુલભાઈને ચેતનને ફોન કરી અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી.
આખરે જયપાલસિંહ મહિડાએ આ અંગે બોરસદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેતનકુમાર રમેશભાઈ ડાભી (રહે ભાદરણીયા) અજયસિંહ ભરતસિંહ મહિડા (રહે ગાંંજણા) અને ચિરાગકુમાર રાકેશભાઈ ચાવડા (રહે દાવોલ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


