યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટી પહેલી નેટ ઝીરો ફેકલ્ટી બની
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટી યુનિવર્સિટીની સૌથી પહેલી નેટ ઝીરો ફેકલ્ટી બની ગઈ છે.આ ફેકલ્ટીમાં દાતા દ્વારા મળેલા ડોનેશનમાંથી ૨૦૨૪માં ૩૦ કેવીની સોલાર પેનલો લગાડવામાં આવી હતી અને તેના કારણે ફેકલ્ટીનું લાઈટ બિલ હવે લગભગ ઝીરો થઈ ગયું છે.
ફેકલ્ટીના ડીન પ્રો.સુનિતા શર્માએ કહ્યું હતું કે, લગભગ ૧૫ લાખ રુપિયાના ખર્ચે સોલર પેનલ લગાડયા બાદ લાઈટ બિલની ત્રણ સાયકલ પૂરી થઈ છે.પહેલા બે લાઈટ બિલમાં તો ફેકલ્ટીના ખાતામાં ઉલટાના ૭૦૦૦ રુપિયા જેટલા જમા થયા છે.છેલ્લી બિલ સાયકલમાં ફેકલ્ટીનું બિલ ૮૦૦૦ રુપિયા આવ્યું છે.આ જ સમયગાળામાં ગત વર્ષે ફેકલ્ટીનું વીજ બિલ ૮૦૦૦૦ રુપિયા હતું.આમ ફેકલ્ટીને લાઈટ બિલની મોટી બચત થઈ રહી છે.ફેકલ્ટીમાં બે સ્માર્ટ ક્લાસરુમ છે અને લગભગ ૧૪ જેટલા એસી છે.આમ છતા લાઈટ બિલ લગભગ ઝીરો થઈ ગયું છે.સાથે સાથે ફેકલ્ટીમાં વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તેના કારણે ફેકલ્ટીમાં ચોમાસાની સિઝનમાં લાખો લિટર પાણી જમીનમાં ઉતારવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, લાઈટ બિલ નહીં ભરવાના કારણે જે પૈસા બચી રહ્યા છે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓની ઈન્ડસ્ટ્રી ટુર અને બહારના એકસ્પર્ટના લેકચર પાછળ કરવાનો નિર્ણય અમે લીધો છે.