અંકલેશ્વરના જીતાલીગામ તળાવ પાસેથી ઉત્તર પ્રદેશથી પિસ્તોલ લાવી વેચવા ફરતો શખ્સ એસઓજીના હાથે ઝડપાયો
Ankleshwar Police : અંકલેશ્વર તાલુકાના જીતાલીગામ ખાતેના તળાવ પાસેથી કમરના ભાગે પિસ્તોલ છુપાવીને ફરતા ઉત્તર પ્રદેશના શખ્સને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો.
ગઈકાલે બપોરના સમયે જીતાલીગામ તળાવ પાસે સેંગપુર તરફ જવાના માર્ગ પર એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર લઈ ફરી રહ્યો હોવાની માહિતી ભરૂચ એસોજી ટીમને સાંપડી હતી. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળેથી નરેન્દ્રસિંગ મૃત્યુંજયસિંગ (રહે-મીરાનગર ઝુપડપટ્ટી, અંકલેશ્વર/મૂળ રહે-ઉત્તર પ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની તલાસી લેતા કમરના ભાગેથી હાથ રૂમાલમાં વિટાળેલ એક કારતુસ વગરની પિસ્તોલ મળી આવી હતી. આરોપીએ પોલીસ સમક્ષ પ્રાથમિક પૂછતાછમાં પોતાના વતન ખાતેના કેરાકતના માર્કેટમાંથી એક અજાણ્યા વ્યક્તિ પાસેથી રૂ.3500માં ખરીદી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. આરોપી ગ્રાહક મળે તો વેચાણની ફિરાકમાં હોય પોલીસે તેને ઝડપી પાડી રૂ.10 હજારની કિંમતની પિસ્તોલ કબજે કરી હતી. અંકલેશ્વર રૂરલ પોલીસે આરોપી વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.