સગીરાને રાજસ્થાન લઈ જઈ બળાત્કાર ગુજારનારને ૨૦ વર્ષની સખત કેદ
એક વર્ષ અગાઉ ડભોડા પોલીસ સ્ટેશનના ગુનામાં
ઘરેથી નીકળી ગયેલી સગીરાને તકનો લાભ લઇ આરોપી લઈ ગયો હતોથ ચાર લાખ રૃપિયા વળતર ચૂકવવા પણ હુકમ
ગાંધીનગર : ગાંધીનગર નજીક ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરીને તેને રાજસ્થાન ખાતે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારવાના કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૧૭ એપ્રિલ ૨૦૨૪ ના રોજ સગીરા
વહેલી સવારે તેના ઘરેથી નીકળી ગઈ હતી આ દરમિયાન ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર
મહિન્દ્રા પાટીયા પાસે આરોપી મગન મોહનભાઈ મછાર, રહે. મહુન્દ્રા,
મૂળ રહે. ગાંગડકલાઈ, જી.
બાંસવાડા, રાજસ્થાન
દ્વારા સગીરાને લઈ જઈને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો એટલું જ
નહીં રાજસ્થાન ખાતે લઈ જઈને પણ તેની ઉપર અવારનવાર દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું.
જેના પગલે સગીરાના પિતા દ્વારા ડભોડા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ કરવામાં
આવ્યો હતો અને આ કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જજશ્રી જે. એન. ઠક્કરની
કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ એસ. પંડયા દ્વારા ભોગ બનનાર તેમજ
સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ આવો ગંભીર
પ્રકારનો ગુનો કર્યો હોવાથી તેને સખતમાં સખત સજા અને દંડ થવો જોઈએ. આરોપી જાણતો
હતો કે ભોગ બનનાર માત્ર ૧૪ વર્ષ અને ૧૧ મહિનાની સગીર વયની છે તેમ છતાં તેણે
અલગ-અલગ જગ્યાએ તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી વારંવાર બળાત્કાર કર્યો હતો. આવા
ગુનાઓ સમાજમાં રોજબરોજ બનતા હોવાથી આવા આરોપીઓને વધુમાં વધુ સજા અને દંડ કરવામાં
આવે તો નવા ગુના કરતા લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે. જે દલીલોને ગ્રાહ્ય
રાખીને કોર્ટ દ્વારા આરોપી મગન મોહનભાઈ મચ્છારને ૨૦ વર્ષની સખત કેદીની સજાનો હુકમ
કરવામાં આવ્યો હતો તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનાને ચાર લાખ રૃપિયા
વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે