પોલારપુર ગામે યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ

- મૃતકના ઘરે જઈ ખૂની ખેલ ખેલ્યાનું કહીં પત્ની અને પુત્રના ધમકાવ્યા હતા
- 15 સાક્ષી તપાસવામાં આવ્યા, કોર્ટ સમક્ષ 35 દસ્તાવેજી પુરાવા કરાયા, મૃતકના પત્નીને વળતર ચૂકવવા હુકમ
બરવાળાના પોલારપુર ગામે રહેતા નિલેશભાઈ ભગુભાઈ બાટીયાના ભાઈ ભરતભાઈ ભગુભાઈ બાટીયાને વિક્રમ ઉર્ફે કોકમ જકશીભાઈ કુમારખાણિયા નામના શખ્સે પથ્થરના ઘા અને લાકડાના બડિયા ઝીંકી તેમની કરપીણ હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ હત્યારો શખ્સ વિક્રમ ઉર્ફે કોકમ કુમારખાણિયાએ રાત્રિના સમયે મૃતકના ઘરે જઈ તેમના પત્ની અને પુત્રને કહેલ કે, 'ભરતભાઈની હત્યા મેં કરી નાંખી છે, થાય તે કરી લેજો' તેવી ધમકી આપી નાસી ગયો હતો. આ બનાવ અંગે નિલેશભાઈ બાટીયાએ ગત તા.૧૦-૭-૨૦૨૨ના રોજ બરવાળા પોલીસમાં હત્યા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે ખૂની ખેલ ખેલનાર શખ્સની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. દરમિયાનમાં આ ચકચારી કેસની બોટાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે.પરાસરની કોર્ટમાં ચાલી જતાં ૧૫ સાક્ષીને તપાસવામાં આવ્યા હતા. તેમજ ૩૫ દસ્તાવેજી પુરાવા અને જિલ્લા સરકારી કે.એમ. મકવાણાની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી વિક્રમ ઉર્ફે કોકમ કુમારખાણિયાને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. મૃતકના પત્ની હુલાસબેનને વળતર ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.