Gujarat

ખારાઘોડામાં યુવક પર ફાયરિંગ કરનાર શખ્સ પાટણથી ઝડપાયો

By GS TEAM
15 Nov 20251 min read
ખારાઘોડામાં યુવક પર ફાયરિંગ કરનાર શખ્સ પાટણથી ઝડપાયો

- પ્રેમિકા સાથે ઝઘડાનું મનદુઃખ રાખી ફાયરિંગ કર્યું હતું

- આરોપીને બનાવ સ્થળે લઇ જઇ રિ-કન્ટ્રકશન કરાવ્યું : રિમાન્ડ માટેની તજવીજ

પાટડી : પાટડી તાલુકાના ખારાઘોડા સ્ટેશનમાં પ્રેમિકા સાથે ઝઘડાનું મનદુઃખ રાખી યુવક પર ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે પાટણથી ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીને બનાવ સ્થળે લઇ જઇ રિ-કન્ટ્રકશન કરાવી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી હતી. 

પાટડીના ખારાઘોડામાં સલીમભાઈ સિકંદરભાઈ કાદી (ઉ.વ.૩૨) પર ગત ગુરુવારે સવારે સ્ટેશન પાસે દેગામ રહેતા શખ્સ સિરાજખાન ભાણજીખાન મલેકે બંદૂક વડે ફાયરિંગ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી નાશી છૂટયો હતો. ઇજાગ્રસ્ત યુવક સલીમભાઈને સારવાર અર્થે પાટડી અને વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં પ્રેમિકા સાથે અગાઉ થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યુ હતું. જે મામલે પાટડી પોલીસ મથકે ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં બાતમીના આધારે ફાયરિંગ કરનાર શખ્સ સિરાઝખાન મલેકને પાટણ જિલ્લાના બાસપા ચોકડી પાસેથી ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ઝડપાયેલ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ અન્ય ગુનેગારોમાં કાયદાનું ભાન થાય તેવા હેતુથી રિ-કન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું.