વહેલ માછલીની ઊલટી લાવનાર પોલીસ સમક્ષ હાજર
વ્રજ દવેના પિતા પાંચ વર્ષ અગાઉ બેંગ્લોરથી લાવ્યા હતા
વડોદરા,વન્ય જીવન સંરક્ષણ હેઠળ સુરક્ષિત વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ) હોવાની માહિતી મળતા એલ.સી.બી.એ રેડ પાડી હતી. તે દરમિયાન સ્થળ પરથી ભાગી જનાર યુવકની અટલાદરા પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
શહેર નજીક બીલ કેનાલ રોડ પરથી ૧.૫૮ કરોડની કિંમતની વહેલ માછલીની ઊલટી, છ મોબાઇલ અને કાર મળી કુલ રૃા.૧.૬૫ કરોડના મુદ્દામાલ સાથે છ ને પોલીસે ઝડપી પાડયા હતા. તે સમયે સ્થળ પરથી ભાગી ગયેલા અને વહેલ માછલીની ઊલટી લાવનાર વ્રજ સંદિપભાઇ દવે (રહે. ઓનિક્સ વિલા સોસાયટી, સુભાનપુરા) આજે અટલાદરા પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે તેની અટકાયત કરી છે. પી.એસ.આઇ. જી.એ. અનાવડિયાએ હાથ ધરેલી પૂછપરછ દરમિયાન વ્રજ દવેએ જણાવ્યું હતું કે, મારા પિતા પાંચ વર્ષ અગાઉ બેંગ્લોર ફરવા ગયા હતા. ત્યાંથી તેઓ લાવ્યા હતા. થોડા સમય પછી પિતાનું અવસાન થતા ઊલટી ઘરમાં જ હતી. પરંતુ, મને ખબર નહતી કે, આ કયો પદાર્થ છે. જેથી, મેં સોશિયલ મીડિયા પર સર્ચ કરતા જાણવા મળ્યું કે, આ તો અત્યંત કિંમતી એવી વહેલ માછલીની ઊલટી છે. જે વેચવાની પેરવીમાં હતા ત્યારે જ પોલીસે રેડ પાડી હતી.