Get The App

ઓનલાઇન ગેમ્સમાં મિત્ર બનેલા શખ્સે યુવતીના મોર્ફ કરેલા ફોટા વાયરલ કર્યા

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
ઓનલાઇન ગેમ્સમાં મિત્ર બનેલા શખ્સે યુવતીના મોર્ફ કરેલા ફોટા વાયરલ કર્યા 1 - image


રાજકોટમાં રહેતી એમબીએની છાત્રાની ફરિયાદ

મધ્યપ્રદેશના જબલપુરના શખ્સે યુવતીને સંબંધ નહીં રાખે તો વધુ ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી

રાજકોટ: રાજકોટમાં રહેતી એમબીએમાં અભ્યાસ કરતી યુવતીને ઓનલાઇન ગેમ્સ રમવા દરમિયાન એક યુવક સાથે મિત્રતા થઇ હતી. જેની સાથે બાદમાં ઝઘડો થતાં તે યુવકે યુવતીના મોર્ફ કરેલા ફોટા વાયરલ કર્યા હતાં. જે અંગે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા અક્ષિત શર્મા સામે ગુનો નોંધાયો છે.

ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે તે ચારેક વર્ષ પહેલા એક ગેમ મોબાઇલમાં રમતી હતી. આ ગેમમાં ગુ્રપ બનાવીને રમવાનું હોય છે. જેમાં અલગ અલગ રાજ્યનાં લોકો ઓનલાઇન રમતાં હોય છે. પાંચેક માસ પહેલા તે ગેમ રમતી હતી ત્યારે વોકર નામની આઈડી ધરાવનાર આરોપી ગેમ્સ રમવા આવ્યો હતો. જેની સાથે તે અવારનવાર ઓનલાઇન ગેમ્સ રમતી હતી.  જેને કારણે તેની સાથે મિત્રતા થતાં સ્નેપચેટ આઇડીની આપ-લે કરી હતી.

જેથી તે અને આરોપી અવારનવાર વાતચીત કરતાં હતાં. આરોપી સાથે મોબાઇલ નંબરની પણ આપ-લે થઇ હતી. પરિણામે અવારનવાર વોટ્સએપમાં વાતચીત અને ચેટ કરતાં હતાં. આરોપી સાથે મિત્રતા થઇ જતાં તેને પોતાના ફોટા મોકલ્યા હતાં. ત્યાર પછી ગેમ્સ રમતી વખતે આરોપી સાથે બોલાચાલી થતાં આરોપીએ તેના ફોટા વાયરલ કર્યા હતાં. એટલું જ નહીં તેના મિત્રોને પણ તેના ફોટા વાયરલ કરવાનું કહેતો હતો. આખરે તેણે સીઆઈડી ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર અરજી કરી હતી. 

આ ઘટનાક્રમ બાદ આરોપીએ તેના માતા-પિતા ઉપરાંત તેના ફોટા ઓનલાઇન મેળવી ગેમ્સમાં તેનો ન્યૂડ ફોટો મોર્ફ કરી વાયરલ કર્યો હતો. એટલું જ નહીં આરોપીએ જો તેની સાથે સંબંધ નહીં રાખે તો તેના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત અવારનવાર મેસેજ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો.

જને કારણે આખરે આરોપી વિરૂધ્ધ ગઇકાલે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 

Tags :