Get The App

નાગેશ્વરમાં દર્શનાર્થી યુવતીની છેડતી કરનાર શખ્સોને ટપારતાં હુમલો, 8 યાત્રિકોને ઇજા

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
નાગેશ્વરમાં દર્શનાર્થી યુવતીની છેડતી કરનાર શખ્સોને ટપારતાં હુમલો, 8 યાત્રિકોને ઇજા 1 - image

અમદાવાદના યાત્રિક સંઘના ભાવિકો ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા : શેરડીના સાંઠા તથા નારિયેળ કાપવાના કોઇતાથી હુમલો કરવા અંગે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ

 જામ ખંભાળિયા, : દ્વારકા પાસેનાં નાગેશ્વર તીર્થધામ ખાતે દર્શનાર્થે આવેલા અમદાવાદ વિસ્તારના યાત્રિક સંઘની યુવતીની બે શખ્સો દ્વારા છેડતી કરાતા તે અંગે યુવતીના ભાઇએ બંન્નેને ટપાર્યા હતા. તેથી આ બાબતે બોલાચાલી થતા સંઘના અન્ય યાત્રિકો વચ્ચે પડતા આરોપીઓએ શેરડીના સાઠા તથા નારિયેળ કાપવાના કોઇતાથી હુમલો કરતા 8 જેટલાં યાત્રિકોને ઇજા થઇ હતી. તમામને સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે 6 શખ્સો સામે મીઠાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવાઇ છે. 

મીઠાપુર પોલીસમાં અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અક્ષેશભાઈ દિનેશભાઈ પંચાલ નામના 29 વર્ષના યુવાને ફરિયાદ નોંધાવી છે કે, તે તેમના પરિવારજનો, મિત્ર વર્તુળ સહિત 50 લોકોના સંઘ સાથે દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. દ્વારકા ખાતે દર્શન કરી તમામ લોકો નાગેશ્વર મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. નાગેશ્વર ખાતે યાત્રિક સંઘની એક યુવતીની એક્ટિવા પર આવેલા આરોપી પ્રકાશભા માણેક અને સિધ્ધરાજભા સુમણીયાએ હોર્ન વગાડીને સામે જોઈને છેડતી કરતાં યુવતીના ભાઇએ બન્નેને ટપારતા બન્ને શખ્સો ઝગડો કરવા લાગ્યા હતા. તેથી ફરિયાદી અક્ષેશભાઈ તથા અન્ય યાત્રિકો વચ્ચે પડયા હતા અને પોલીસને બોલાવવાની વાત કરતા આરોપીઓએ 'તને બતાવું હું કોણ છું' કહી અન્ય આરોપીઓ રાજવીર માણેક અને રાયાભા સુમણીયા અને બે અજાણ્યા શખ્સો મળીને 6 શખ્સોએ યાત્રિકો પર શેરડીના સાઠા તથા નાળિયેર કાપવાના કોઇતા (છરા) જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદી અક્ષેશભાઈ પંચાલ, કેતુલભાઈ, સુભાષભાઈ, સુરાગભાઈ, ભરતભાઈ, વિક્રમભાઈ, અલ્પાબેન, ભાવનાબેન વિગેરેને ઈજાઓ થતા તમામને સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા અને બેને વધુ ઇજા હોવાથી ત્યાંથી ખંભાળિયા ખસેડાયા હતા.