Ahmedabad Crime: અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુરૂવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોહીના સંબંધો લજવાય તેવી આ ઘટનામાં એક માસીયાઈ ભાઈએ જ પોતાના ભાઈ પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. માત્ર જમવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે જોતજોતામાં લોહીયાળ જંગનું સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
જમવા બાબતે બોલાચાલી અને કરુણ અંજામ
મૃતક રામુ કુશ્વાહા અને આરોપી વિષ્ણુ કુશ્વાહા બંને મૂળ મધ્યપ્રદેશના મોરેના વતની છે અને અમદાવાદમાં રહીને કલર કામની મજૂરી કરતા હતા. ગઈકાલે સાંજે (ગુરૂવારે) બંને ભાઈઓ જ્યારે ઘરે હતા, ત્યારે જમવાની કોઈ બાબતે તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે વિષ્ણુ કુશ્વાહા આવેશમાં આવી ગયો હતો અને રસોડામાંથી છરી લાવી રામુ પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.
તીક્ષ્ણ હથિયારના હુમલાને કારણે રામુ કુશ્વાહાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વધુ પડતો રક્તસ્ત્રાવ થવાને કારણે રામુએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. એક નજીવી તકરારે એક યુવાનનો જીવ લીધો અને બીજાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
બોપલ પોલીસે આરોપીની કરી અટકાયત
ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી વિષ્ણુ કુશ્વાહાની અટકાયત કરી લીધી છે. પોલીસે રામુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આરોપી વિષ્ણુ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરપ્રાંતિય મજૂર પરિવારોમાં બનેલી આ ઘટનાને પગલે શ્રમિકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.


