Gujarat

ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ

By GS TEAM
17 Mar 20262 mins read
ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ

- ઠપકો આપ્યાની દાઝ રાખી ભાગીયા તરીકે કામ કરતા શખ્સે કાસળ કાઢી નાંખ્યું હતું

- બોટાદ કોર્ટે ૩૬ દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખી દાખલારૂપ સજાનો હુકમ ફરમાવ્યો

બોટાદ : ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કરનાર ભાગીયાને આજીવન કેદની સજા અને દંડનો હુકમ ફરમાવ્યો છે.

ગઢડાના ઈશ્વરિયા ગામે રહેતા નીતુભા કરણુભા ગોહિલની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતો કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢિયાર (રહે, ગંભીરા, તા.આંકલાવ, જિ.આણંદ) નામના શખ્સને બાજુમાં અન્ય ખેડૂતની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા ખેતમજૂરની દીકરી સાથે પ્રેમસબંધ હોયબ, તેની સાથે સગાઈ કરવી હતી. જે અંગેની વાત દીકરીના પિતાએ કરતા નીતુભા ગોહિલે આરોપી કિરણ ઉર્ફે કિરોને ઠપકો આપ્યો હતો. તે વાતની દાઝ રાખી ગત તા.૧૬-૧૨-૨૦૨૩ના રોજ નીતુભાઈ ગોહિલ પોતાની વાડીએ એકલા હતા. ત્યારે કિરણ ઉર્ફે કિરો પઢિયારે પાછળથી આવી માથાના ભાગે લોખંડની કોષ મારી તેને કૂવામાં ફેંકી દીધી હતી. જ્યારે ગંભીર ઈજા પામેલા નીતુભાઈ ગોહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેઓનું મૃત્યુ થયું હતું. ઘટના અંગે મૃતકના ભાઈ ઘેલુભા ગોહિલે હત્યારા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદના આધારે ગઢડા પોલીસે આઈપીસી ૩૦૨, ૨૦૧ અને જીપીએ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આરોપીને અટકી કરી હતી. આ અંગેનો કેસ બોટાદની સેશન્સ અને ડિસ્ટ્રીક્ટીક કોર્ટમાં ચાલી જતાં ૩૬ દસ્તાવેજી પુરાવા, ૧૨ સાક્ષીની તપાસ અને જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ મનીષસહાય જે. પરાશરે આરોપી કિરણ ઉર્ફે કિરો પઢિયારને આજીવન કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો.