Gujarat

ગળથર ગામે આધેડના મોત મુદ્દે શખ્સને 7 વર્ષ સખત કેદની સજા

By GS TEAM
27 Nov 20252 mins read
ગળથર ગામે આધેડના મોત મુદ્દે શખ્સને 7 વર્ષ સખત કેદની સજા

- લાકડીના ઘા ઝીંકતા ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું

- બે વર્ષ પૂર્વેની ઘટનામાં મહુવા કોર્ટે સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો

ભાવનગર : મહુવા તાલુકાના ગળથર ગામની સીમમાં બે વર્ષ પૂર્વે એક આધેડને લાકડીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતાર્યાની ઘટનામાં એક શખ્સને સાત વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગળથર ગામે બે ભાઈઓ વચ્ચે લાઈટના થાંભલા નાંખવા જેવી નજીવી બાબતમાં તકરાર ચાલતી હતી. જેની દાઝ રાખી ગત તા.૨૨-૧૧-૨૦૨૩ના રોજ સવારના સમયે માનસંગભાઈ અને તેમનો પુત્ર ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં ભેંસો ચરાવવા ગયા હતા. ત્યારે માનસંગભાઈનો ભાઈ પ્રતાપ નગાભાઈ ગોહિલ, તેના પુત્રો વિક્રમ અને ગોપાલ ઉર્છે જુવાનસિંહ ગોહિલે આવી ગાળો દઈ લાકડી તેમજ ઢીકાપાટુંનો માર મારી ગંભીર ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્ત આધેડને વધુ સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં તેમનું ગત તા.૨૯-૧૧-૨૩ના રોજ મૃત્યુ થતાં મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. બનાવ અંગે બગદાણા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય શખ્સની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ મહુવાના બીજા એડી. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અતુલકુમાર એસ. પાટીલની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી આરોપી વિક્રમ પ્રતાપભાઈ ઉર્ફે પાતાભાઈ ગોહિલને કસુરવાન ઠેરવી આઈપીસી ૩૦૪ના પાર્ટ-૨ મુજબના ગુનામાં સાત વર્ષ સખત કેદની સજા, ૫૦ હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ તેમજ મરણજનારના વારસદારને દંડની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. અન્ય બે શખ્સને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.