ભરણપોષણના કેસમાં શખ્સને 225 દિવસ સાદી કેદની સજા
- નોટિસ, જપ્તી વોરંટ છતાં 15 માસની ખાધાખોરાકીની રકમ ન ચૂકવતા
- ગારિયાધાર કોર્ટે ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 125 (3) હેઠળ ગુનેગાર ઠેરવી સજાનો હુકમ કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રંગપુર ગામે રહેતો યશ ગૌરીદાસ નિમાવત (ઉ.વ.આ.૨૪) નામના શખ્સે ૧૫ માસની ચડત થયેલી ખાધાખોરાકીની રકમ રૂા.૫૩,૦૦૦ ન ચૂકવતા તેની સામે નોટિસ અને ત્યારબાદ જપ્તી વોરંટ પણ કાઢવામાં હતું. પરંતુ તેમ છતાં શખ્સે એક ફદિયું પણ ન ચૂકવતા ગારિયાધારના જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ.કે. શાહની કોર્ટમાં અરજી કરી સખતમાં સખત સાજ કરવા અરજી કરાઈ હતી. જે અંગેની સુનવણી હાથ ધરાતા યશ નિમાવતે અરજદારને રકમ ચૂકવી ન હોય, ન્યાયમૂર્તિ એ.કે. શાહે શખ્સને તકસીરવાન ઠેરવી ૨૨૫ દિવસની સાદી કેદની સજા ભોગવવા તેમજ ચડત થયેલ ભરણપોષણની કુલ રકમ રૂા.૫૩,૦૦૦ ચૂકવી આપે તો જેલમુક્ત કરવા અથવા જેટલા માસની ખોરાકીની રકમ ચૂકવે તેટલા માસની સજા હાલની સજામાંથી મજરે આપવા હુકમ કર્યો છે.