પંદર વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા
ફોટા વાઇરલ કરતા કોર્ટે એક લાખનો દંડ અને ત્રણ વર્ષની સજા ફટકારી
વડોદરા : સાવલી તાલુકાના તાડીયાપુરા ગામમાં રહેતા આરોપીએ ૧૫ વર્ષ ૧૧ માસની સગીર કિશોરી સાથે દુષ્કર્મ આચરી તેના ફોટા ફેસબુક પર વાઇરલ કરતા આ કેસમાં આરોપીને કસુરદાર ઠેરવી ન્યાયાધીશે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ૧ વર્ષની સજાનો આદેશ કર્યો હતો. જ્યારે પીડિતાના ફોટા વાઇરલ કરવામાં આવ્યાં હોઇ અદાલતે આરોપીને આઇટી એક્ટની કલમ હેઠળ કસુરદાર ઠેરવી ૧ લાખનો દંડ અને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
કેસની વિગત એવી છે કે, ૧૫ વર્ષ ૧૧ માસની ઉમરની એક સગીર કિશોરીના વાલીએ
તા.૧૦ ફેબુ્રઆરી ૨૦૨૫ના રોજ આરોપી સુરેશ ઉર્ફે સુનીલ અરવિંદભાઇ સોલંકી
(રહે.તાડીયાપુરા, તા.સાવલી, ઉ.વ.૨૦)
સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની સગીર દિકરીનો આરોપી
પીછો કરતો હતો અને તેણે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ફોટા પાડયા હતા. આરોપી ત્યાર
બાદ પીડિતાને જો તુ નહી આવે તો તારા ફોટા વાઇરલ કરી દઇશ તેવી ધમકી આપતો હતો અને
તેણે ફોટોગ્રાફ્સ વાઇરલ કર્યા હતા.
પોલીસે આ બનાવ અંગે દુષ્કર્મ, પોક્સો તેમજ આઇટી એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ સાવલીના એડિ.ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં તેમાં સરકારી વકીલ સી.જી.પટેલે દલીલો કરી હતી. આ કેસમાં ૧૧ સાક્ષી અને ૩૨ પુરાવા ચકાસવામાં આવ્યાં હતા અને આરોપી સામેનો કેસ પુરવાર થતાં ન્યાયાધીશે આરોપીને ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે આરોપીને આઇટી એક્ટ હેઠળ પણ કસુરાદાર ઠેરવી તમામ સજા સાથે ભોગવવાનો આદેશ કર્યો હતો. પીડિતા સગીર હોઇ તેને વળતર પેટે રૃ.૭ લાખ ચૂકવવાનો આદેશ કરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આ અંગે ભલામણ કરવાનું કહ્યું હતું.
પીડિતાનું કાઉન્સિંગીંલ કરી ફરી અભ્યાસ શરુ કરાવવા આદેશ
પીડિતા સ્કુલે જાય ત્યારે આરોપી તેનો પીછો કરી છેેડછાડ કરતો હોઇ તેમજ દુષ્કર્મ
આચર્યા બાદ આરોપીએ ફોટા વાઇરલ કરતા ન્યાયાધીશે ચૂકાદામાં ચાઇલ્ડ વેલફેક કમીટી અને
ડિસ્ટ્રીક્ટ ચાઇલ્ડ પ્રોટેકશન યુનીટને પીડિતાનો સંપર્ક કરવાનો આદેશ કર્યો હતો.
ન્યાયાધીશે પીડિતાનો અભ્યાસ છુટી ગયો હોઇ તેનું કાઉન્સિલિંગ કરી ફરી તેનો અભ્યાસ
સરુ કરાવવા તેમજ તે સારુ જીવન જીવી શકે તે માટે તમામ મદદ કરવાનો પણ આદેશ કર્યો
હતો. બન્ને એજન્સીને તેમના દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ કોર્ટમાં
રજૂ કરવા પણ આદેશ કર્યો હતો.