- બાઈક લઈને ઉમરાળા તરફ જતાં આધેડને છરીના ઘા ઝીંકી દીધેલા
- બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે સજા અને દંડ ભરવા ચુકાદો આપ્યો
રાણપુરના કુંડલી ગામે વર્ષ ૨૦૨૦માં સવશીભાઈ પોપટભાઈ બાવળિયા નામના આધેડ બાઈક લઈને ઉમરાળા તરફ જઈ રહ્યા હતા. આ સમયે જૂની અદાવતની દાઝ રાખી યુવરાજ શાંતુભાઈ ખાચર નામના શખ્સે બાઈક આગળ કરી સવશીભાઈને ઉભા રખાવી ગાળો દઈ, મારી નાંખવાની ધમકી આપી પેટ અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ઈજાગ્રસ્તના પુત્ર ભરતભાઈએ યુવરાજ ખાચર સામે રાણપુર પોલીસમાં આઈપીસી ૩૦૭, ૫૦૪, ૫૦૬ (ર), જીપીએ ૧૩૫ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સુનવણી બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલતા ફરિયાદી પક્ષે ૧૫ સાક્ષીને તપાસવામાં આવેલ તેમજ ૩૭ દસ્તાવેજી પુરાવા, જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની અસરકારક દલીલો, રજૂઆતોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ મનીષસહાય જે. પરાશરે આરોપી યુવરાજ ખાચરને સાત વર્ષની સખત કેદ, રૂા.૨૦,૦૦૦નો દંડ ભરવા હુકમ કર્યો છે.


