'ગુગલ એકાઉન્ટ બંધ થઈ ગયું છે' જણાવી
દિકરો દવાખાનામાં દાખલ હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો સાયબર ક્રાઈમનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી
નડિયાદ તાલુકાના સોડપુર ગામમાં પોલીસ ચોકી પાસે રહેતા ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ પટેલના મોબાઈલ ઉપર તા.૨૪-૧૧-૨૫ની સાંજે એક શખ્સે 'હું તમારા ઘરે ચાર વર્ષ પહેલા કલર કરવા આવ્યો હતો' તેવી ઓળખ આપી હતી અને 'મારા દીકરાને દવાખાનામાં દાખલ કરેલો છે, પરંતુ મારું ગુગલ એકાઉન્ટ બંધ થઈ ગયું છે' તેમ કહી ઘનશ્યામભાઈ પટેલના મોબાઈલ પર તેમના એકાઉન્ટમાં રૂ.૪૫,૫૦૦ તેમજ ૬૫,૫૦૦ ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓએ મોબાઇલ ચેક કરતા પૈસા ટ્રાન્સફર કરવાના મેસેજ જોવા મળ્યા હતા. આમ પૈસા જમા કરાવ્યાના ખોટા મેસેજ કરી વિશ્વાસ કેળવી પોતે જણાવેલા જુદા જુદા એકાઉન્ટમાં રૂ. ૮૫ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં બેલેન્સ ન હોવાથી બાકીના પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે તેઓએ બેંકમાં જઈને તપાસ કરતા તેમના એકાઉન્ટમાં કોઈ પૈસા જમા થયા ન હતા જેથી તેઓએ મોબાઈલ ધારક પર ફોન કરતા તેણે વધુ પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવતા તેઓએ પૈસા ટ્રાન્સફર કર્યા ન હતા. આમ ઘનશ્યામભાઈ પટેલના મોબાઈલ પર પૈસા ટ્રાન્સફર કરવાના ખોટા મેસેજ મોકલી ગઠિયાએ પોતાના ખાતામાં રૂ.૮૫ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ પટેલની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


