- મિત્રતાના સંબંધે પૈસા ઉછીના આપ્યા હતા
- 30 દિવસમાં રૂ. 80 હજાર ચૂકવવા દેવા, અન્યથા વધુ 3 માસની સજા ભોગવવી પડશે
ચુડા : ચુડાની કોર્ટે લીંબડી તાલુકાના નટવરગઢ ગામના રહેવાસી હસમુખભાઈ ડાહ્યાભાઈને ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી છ માસની સાદી કેદની સજા ફટકારી છે. ફરિયાદી સહદેવભાઈ વજાભાઈ મેટાલીયાએ મિત્રતાના સંબંધે હસમુખને વ્યવહારિક કામ અર્થે રૂ.૮૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા.
જોકે, બે માસ બાદ પણ હસમુખે રકમ પરત ન કરતાં, તેમણે આપેલો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનો ચેક જમા કરાવવામાં આવ્યો હતો, જે રિટર્ન થયો હતો. વકીલ મારફતે નોટિસ મોકલવા છતાં રકમ ન ચૂકવાતા, ફરિયાદીએ 'ધી નેગોસીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ' હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચુડા કોર્ટમાં ચાલી જતાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે હસમુખભાઈને છ માસની સાદી કેદની સજા ફટકારી હતી. આ સાથે કોર્ટે આદેશ આપ્યો હતો કે આરોપીએ ૩૦ દિવસની અંદર રૂ.૮૦,૦૦૦ ફરિયાદીને ચૂકવી દેવા, અન્યથા વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવી પડશે.


