ઝમરાળાનો શખ્સ 1.31 લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયો
- પોલીસે કારનો પીછો કરી ચાલકને બોટાદના અળવ ફાટક પાસેથી ઉઠાવ્યો
- બોટાદ એલસીબીએ ડ્રગ્સ,કાર,મોબાઈલ સહિત રૂા. 2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ઝામરાળા તરફથી સફેદ કલરની વેગનઆર કારમાં એક શખ્સ એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઇને બોટાદ થઈને કુંડળ તરફ જવાનો છે.જેના આધારે ટીમે બોટાદના અળવ ફાટક પાસેના વળાંકમાં વોચ ગોઠવી ઝામરાળા તરફથી આવી રહેલી સફેદ વેગનઆર કાર નં.જીજે.૦૧.એફટી.૭૧૧૦ને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસને જોઈ કાર ચાલકે રોડ પરની આડશ દૂર કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, કારને અટકાવવા માટે રાખેલી લાકડી કારના આગળના ભાગના કાચ સાથે અથડાતા કાચ તૂટી ગયો હતો અને ચાલકે પોતાની કાર ઉભી રાખતા પોલીસે કારને કોર્ડન કરી તેની તલાશી લીધી હતી.જેમાં કારના ડેશબોર્ડની ડિક્કીમાંથી નશાકારક પદાર્થ મળી આવ્યો હતો.પોલીસે કાર સાથે ચાલકને બોટાદ રૂરલ પોલીસ સ્ટેશને લઈ જઈ એફએસએલ પરીક્ષણ કરાવતા પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલો પદાર્થ એમ.ડી.ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું.બોટાદ એલસીબીએ ૧૩.૧૨૦ ગ્રામ મેથા એમ્ફેટામાઇન(એમ.ડી.) ડ્રગ્સ કિં.રૂા.૧,૩૧,૨૦૦ ઉપરાંત, ઇલેક્ટ્રિક વજન કાંટો,કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂા.૨,૮૬,૪૫૦ના મુદ્દામાલ સાથે ચંદ્રભાણ ઉર્ફે ઉદય ભરતભાઈ પટગીર ( રહે.ઝમરાળા તા.જિ.બોટાદ) ની ધરપકડ કરી હતી અને તેની વિરૂદ્ધ બોટાદ પોલીસ મથકમાં નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮(સી),૨૧(બી) અને ૨૯ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.