બીલા ગામના શખ્સને ચેક પરત ફરવાના કેસમાં છ માસની કેદ
મહુવાના એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટનો ચુકાદો
મહુવાની ક્રેડિટ સોસાયટીમાંથી લીધેલી લોન ચૂકતે કરવા આપેલ ચેક બેંક બેલેન્સના અભાવે પરત ફર્યો હતો
આ કેસ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવાની અલ અમીન કો. ઓપ.ક્રેડિટ સોસાયટીમાંથી સભાસદ અકબરઅલી ફિદાહુસેન જામાણી (રહે.બીલા,તા.જેસર ) એ તા.૩૧ જુલાઈ,૨૦૧૮ના રોજ રૂ.૫૦ હજારની લોન લીધી હતી.આ લોન પેટે સભાસદે મુદ્દલ પેટે રૂ.૭,૪૫૦ ભરપાઈ કર્યા હતા અને બાકી મુદ્દલ અને વ્યાજ મળીને કુલ રૂ.૭૧,૯૧૦ ની ક્રેડિટ સોસાયટી દ્વારા ઉઘરાણી કરવામાં આવતા તેણે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેન્ક મહુવા શાખાનો ચેક આપ્યો હતો.આ ચેક તા.૧૨ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ જમા કરાવતા પૂરતું બેલેન્સ ન હોવાના કારણે ચેક પરત ફર્યો હતો. આ અંગે ક્રેડિટ સોસાયટીના મેનેજર સિરાજભાઈ એમ.નાથાણીએ વકીલ એચ.જી.ભાંભેરા મારફત કોર્ટ કેસ કર્યો હતો.આ કેસ મહુવાના એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા અદાલતે સભાસદને કસૂરવાર ગણી છ માસની સાદી કેદની સજા અને વળતર રૂપે ક્રેડિટ સોસાયટીને ચેકની રકમ ચૂકવી આપવા હુકમ કર્યો છે.