ટ્રેનમાંથી ચોરેલી રૂપિયા 4.64 લાખની મત્તા સાથે શખ્સ ઝડપાયો
આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો
કેટરિંગનું કામ કરતા ઉત્તર પ્રદેશના શખ્સ પાસેથી મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી
આણંદ: આણંદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે દાખલ રૂા. ૪.૬૬ લાખની મત્તાની ચોરીના ગુનામાં કેટરિંગનું કામ કરતો ઉત્તર પ્રદેશનો શખ્સ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો હતો.
પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા રેલવે ટ્રેનોમાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓ શોધી કાઠવા સૂચના અપાઈ હતી. જે સંદર્ભે આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ચોરીમાં ગયેલા રૂા. ૪ લાખના નેકલેસ, ૫૦ હજારની હિરા જડીત સોનાની બુટ્ટી તથા રૂા. ૧૩,૮૦૦ની કિંમતના મોબાઈલ સહિત રૂા. ૪.૬૪ લાખની મત્તાનો મુદ્દામાલ સાથે કેટરિંગનું કામ કરતા આરોપી આશિફ મહંમદશફીક અંસારી (ઉં.વ. ૨૩, રહે. લાલ ડિગ્ગી, ચૌરાહા, પુરી કટરા, મીરઝાપુર- ઉ.પ્ર.)ને ઝડપી પાડયો હતો. રેલવે પોલીસે મુદ્દામાલ રિકરવર કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.