- સામરખામાં આવેલા સોમનાથ કોલ્ડ સ્ટોરેજ પાસેથી
- પોલીસે ફીરકી, મોબાઈલ સહિતનો રૂ. 77 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધ્યો
આણંદ : આણંદના સામરખા ગામે આવેલા સોમનાથ કોલ્ડ સ્ટોરેજ પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૨૪૦ ફીરકીઓ સાથે એક શખ્સ ઝડપાયો હતો. તેમજ પોલીસે ફીરકી, મોબાઈલ સહિતનો રૂપિયા ૭૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ એસ.ઓ.જી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સોમનાથ કોલ્ડ સ્ટોરેજ પાસે આવેલા જુના ફ્રીજના વેચાણ કરતા રસિદશા ઉર્ફે ભુરિયો દિવાન ગેરકાયદે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો વેચાણ અર્થે લાવી પોતાના કબજા ભોગવટાના જુના ફ્રીજના વેચાણ કરવાની જગ્યાએ રાખેલ છે. જે બાદ બાતમી મળેલા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે બાતમીવાળા સ્થળે એક શખ્સ હાજર મળી આવ્યો હતો, જેની પૂછપરછ કરતા શખ્સે રસીદશા ઉર્ફે ભુરીયો મહેબુબશા દિવાન (રહે. આણંદ, વ્હોરા સોસાયટી, ભાલેજ ઓવરબ્રીજ પાસે, તા.જિ. આણંદ) હોવાની ઓખળ આપી હતી. તેમજ ઓરડીમાં તપાસ કરતા કંતાનવાળા પાંચ કાર્ટુન મળી આવ્યા હતા, જે એક કંતાનમાં ૪૮ નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ લેખે ૨૪૦ નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ જેની કિંમત રૂપિયા ૭૨, ૦૦૦ ઝડપાઈ હતી. તેમજ પોલીસે ફીરકીનો જથ્થો, કિં.રૂ. ૫ હજારના મોબાઈલ સહિત કુલ રૂપિયા ૭૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી આણંદ રૂલર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


