Get The App

નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો 1 - image

- શ્રીજી હોલ ખાતેથી 10 દિવસ અગાઉ ચોરી થઈ હતી

- ટાઉન પોલીસમાં નોંધાયેલા ગુનાનો ભેદ ખેડા એલસીબીએ ઉકેલ્યો, 48 હજારની મત્તા જપ્ત

નડિયાદ : નડિયાદના પીજ ભાગોળ વિસ્તારમાંથી કોમર્શિયલ રાંધણ ગેસની બોટલોની ચોરી થઈ હતી. ખેડા એલસીબીએ ચોરી થયેલા ગેસની બોટલ નંગ ૧૬ સાથે આરોપીને ઝડપી પાડી નડિયાદ ટાઉનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

ખેડા એલ.સી.બી.ની ટીમ નડિયાદ ટાઉન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન આરટીઓ ગરનાળા પાસે આવતા બાતમી મળી હતી કે, સાગરભાઇ કાળીદાસ ધોબી (રહે, નડિયાદ, સાથ બજાર, પોલીસ ચોકીની પાછળ ગોરનો ખાચો, વહેરાઈ માતાના મંદિર પાસે)એ તેના રહેણાંક મકાનમાં કોમર્શિયલ ગેસની બોટલો સંતાડી રાખેલી છે, જે ચોરીની હોવાની શંકા છે અને હાલમાં આ શખ્સ તેના ઘરે હાજર છે. જેથી પોલીસે બાતમી વાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા એક શખ્સ હાજર હતો, તેની પૂછપરછ કરતા સાગરભાઈ કાળીદાસ ધોબી (રહે, નડીયાદ, સાથ બજાર પોલીસ ચોકીની પાછળ, માતાના મંદિર પાસે, તા નડિયાદ) હોવાની ઓળખ આપી હતી. તેના ઘરની બાજુના છાપરામાં બેટરીના અજવાળે તપાસ કરતા ખુણામાં અલગ અલગ કોમર્શિયલ ગેસની બોટલો સંતાડી રાખેલી હોવાથી તેના ચોપડી કાગળો માગતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ કોમર્શિયલ રાંધણગેસની બોટલો નંગ-૧૬ કિંમત રૂ.૪૮,૦૦૦ના મુદ્દામાલ બાબતે આ શખ્સની પુછપરછ કરતા ભારત ગેસના કોમર્શિયલ રાંધણ ગેસની બોટલો પીજ ભાગોળ ખાતે આવેલ શ્રીજી હોલ ખાતેથી દસેક દિવસ અગાઉ ગોડાઉન ખુલ્લુ હોવાથી તે સમયે ચોરીછુપીથી ગેસની બોટલોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જે રાંધણ ગેસની બોટલો સાથે આ શખ્સની અટક કરી હતી. આ કોમર્શિયલ રાંધણગેસની બોટલો બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા મળેલ છે.