નશાકારક કફ સીરપની 1,080 બોટલો સાથે શખ્સ ઝડપાયો
- તારાપુરના મિલરામપુરા ગામમાંથી
- 1.07 લાખની સીરપનો જથ્થો જપ્ત : તબેલામાં પરમિટ વગર જથ્થો રાખી વેચતો હતો
તારાપુર પંથકમાં નશા કારક કફ સીરપનો વેપાર છેલ્લા ઘણા સમયથી ફુલ્યો ફાલ્યો છે. તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમાં રહેતો ઉમેશ ઉર્ફે બોલો હિંમતભાઈ રાઠોડ પોતાના તબેલા ખાતે પરમિટ વિનાની કોડિન ધરાવતી નશાકાર દવાઓનો જથ્થો રાખી વેચાણ કરતો હતો. જ્યાં આણંદ એસઓજી પોલીસની ટીમે છાપો મારતા ઉમેશ ઉર્ફે ભોલો હિંમતભાઈ રાઠોડ ઝડપાઈ ગયો હતો. પોલીસે મિલરામપુરા ખાતેના તબેલામાં તપાસ કરતા અંદરથી ગેરકાયદે નશાકારક કફ સીરપની બોટલો મળી આવી હતી. પોલીસે ૧૦૮૦ નંગ કફ સીરપની બોટલો કબ્જે લીધી હતી. જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૦૭,૨૮૦ જેટલી થવા જાય છે. પોલીસે નશાકારક કફ સીરપનો જથ્થો તથા રોકડા રૂપિયા ૧૭,૬૮૦ મળી કુલ રૂપિયા ૧,૨૯,૯૬૦નો મુદ્દામાલ કબજે કરી ઉમેશ રાઠોડને તારાપુર પોલીસના હવાલે કરતા તારાપુર પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.