યુવતી સાથે દુષ્કર્મ કરી વીડિયો ઉતારી શારીરિક શોષણ કરનાર પકડાયો
યુવતી સાથે દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો ઉતારી લેનાર પરિણીત પુરુષ દ્વારા તેને હેરાનગતિ કરવામાં આવતા યુવતીના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ પણ યુવતી સાથે જબરજસ્તી કરતા આરોપી સામે જવાહર નગર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
શહેર નજીકના એક ગામમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું 18 વર્ષની હતી. ત્યારે સ્કૂલે જતા આવતા મને પંકજ દિલપીસિંહ મકવાણા રસ્તામાં અવાર -નવાર રોકી પ્રેમ સંબંધ બાંધવા માટે જણાવતો હતો. પરંતુ તે પરિણીત હોઇ મેં તેને ના પાડી હતી. બે વર્ષ પહેલા હું ઘરે એકલી હતી. મારા પરિવારજનો બહાર ગામ ગયા હતા. ત્યારે પંકજ મારા ઘરે પાછળના ભાગેથી આવ્યો હતો અને તેણે મને અચાનક બાથ ભરી લીધી હતી. ત્યારબાદ મને ડરાવી મારી મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. મને ખબર ના પડે તે રીતે તેણે આ દુષ્કર્મનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ તે મને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી અવાર - નવાર ધમકાવતો હતો. ત્યારબાદ મારા લગ્ન થઇ ગયા હતા. પરંતુ, પંકજ મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને હેરાન કરતો હોઇ મારા પતિને જાણ થઇ જતા મારા છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારથી હું પિયરમાં રહેતી હતી. ત્યારબાદ પણ પંકજ અવાર -નવાર મને હેરાન કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધતો હતો. તે મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો. જેના ફોટા અને વીડિયો તેણે લઇ લીધા હતા.
મેં આ ત્રાસથી કંટાળીને મારી માતાને વાત કરતા અમે પંકજના ગામના સરપંચના પતિ પ્રવિણસિંહ મકવાણાને મળતા તેઓએ પણ એવું કહ્યું કે, તમે ફરિયાદ કરશો તો કોઇ ફાયદો થાય નહીં. પોલીસને અમે મળીને કેસ દબાવી દઇશું. જો છોકરીના બીજા લગ્ન કરવા હોય તો જૂનો બનાવ ભૂલી જાવ. જવાહર નગર પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એન. પરમારે આ અંગે ગુનો દાખલ કરી આરોપી પંકજ દિલીપસિંહ મકવાણાને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.