Gujarat

અમદાવાદના નારણપુરામાં ધોળે દિવસે ખૂની ખેલ, યુવકની આંખમાં મરચાંની ભૂકી નાખી છરીના ઘા ઝીંક્યા

By GS TEAM
19 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુરુવારે દિવસે ધોળે દિવસે ફિલ્મી ઢબે હુમલો થતા ચકચાર મચી ગઈ છે. વૈવાહિક વિવાદ અને જૂની અદાવતમાં એક 32 વર્ષીય યુવકની આંખમાં મરચાંનો ભૂકો નાખી, પાંચ શખ્સોએ ભેગા મળીને જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે ઘાટલોડિયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના નારણપુરામાં ધોળે દિવસે ખૂની ખેલ, યુવકની આંખમાં મરચાંની ભૂકી નાખી છરીના ઘા ઝીંક્યા
AI IMAGE

Ahmedabad Crime News: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુરુવારે દિવસે ધોળે દિવસે ફિલ્મી ઢબે હુમલો થતા ચકચાર મચી ગઈ છે. વૈવાહિક વિવાદ અને જૂની અદાવતમાં એક 32 વર્ષીય યુવકની આંખમાં મરચાંનો ભૂકો નાખી, પાંચ શખ્સોએ ભેગા મળીને જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે ઘાટલોડિયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રેમ પ્રકરણ અને વૈવાહિક વિવાદમાં હુમલો

પોલીસ ફરિયાદ અનુસાર, ઇજાગ્રસ્ત યુવક અજયભાઈ પઢીયાર તેની મિત્ર પ્રિયલ સોલંકી સાથે રહે છે. પ્રિયલના લગ્ન અગાઉ મિહિર સોલંકી સાથે થયા હતા, પરંતુ મનભેદ થતા બંને અલગ રહેતા હતા. પ્રિયલ અજયભાઈ સાથે રહેતી હોવાથી પતિ મિહિર સોલંકી તેના પર રોષે ભરાયેલો હતો. આ અદાવત રાખીને મિહિરે તેના સાગરીતો સાથે મળીને અજયને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે.

પૂર્વયોજિત કાવતરું અને હુમલો

ગુરુવારે સવારે અંદાજે 11:30 વાગ્યે અજયભાઈ જ્યારે પ્રિયલને નારણપુરાના રત્નમણી ફ્લેટ્સ પાસે તેના મિત્રના ઘરે મૂકવા ગયા હતા, ત્યારે આ હુમલો થયો હતો. અજયભાઈ જ્યારે ફ્લેટની બહાર ઉભા રહીને ફોન જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક અજાણ્યા શખ્સે તેમની આંખોમાં મરચાંનો ભૂકો નાખી દીધો હતો. અજયભાઈ કંઈ સમજે તે પહેલા જ તેમના માથાના ભાગે ફટકો મારી નીચે પાડી દેવાયા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી મિહિર સોલંકીએ છરી વડે અજયની પીઠ અને છાતીના ભાગે આડેધડ ઘા માર્યા હતા. હુમલા દરમિયાન મિહિરે બૂમો પાડીને ધમકી આપી હતી કે, 'તને આજે જીવતો નહીં છોડું, આ મારા પિતાની સૂચનાથી કરી રહ્યો છું.'

પાંચ શખ્સોએ ભેગા મળી લોહીલુહાણ કર્યો

હુમલામાં મિહિરની સાથે અન્ય ત્રણથી ચાર શખ્સો પણ જોડાયા હતા. પાંચેય જણાએ મળીને અજયને લાત-ઘૂસા અને હથિયારોથી બેરહેમ રીતે માર માર્યો હતો. જોકે, અવાજ સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં અજયભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

ઘાટલોડિયા પોલીસે આ મામલે મિહિર સોલંકી અને તેના સાગરીતો સામે હત્યાના પ્રયાસ અને ગુનાહિત કાવતરા હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.