ચોટીલાના કાળાસર ગામમાં ગાંજાના 38 છોડ સાથે શખ્સ ઝડપાયો
આરોપી
સામે અગાઉ નવ ગુના નોંધાયેલા
આરોપીએ
વેચાણ માટે ઘરના ફળિયામાં જ ગાંજાની ખેતી કરી હતી, રૃ.૧૫ હજારની કિંમતના ૩૮ છોડ જપ્ત
સુરેન્દ્રનગર -
ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી
લીલા ગાંજાના ૩૮ છોડ સાથે એક શખ્સને પકડી પાડયો છે. પોલીસે રૃ.૧૫ હજારનો મુદ્દામાલ
કબજે કરી આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કાળાસર
ગામમાં રહેતો ભાભલુભાઇ નાથાભાઇ ખાચર (ઉંમર ૪૨, ધંધો ખેતી) પોતાના રહેણાક મકાનના આંગણામાં
ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યો છે તેવી બાતમીના આધારે
એસઓજી પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે આરોપીના કબજામાંથી ૩૮ લીલા ગાંજાના છોડ (વજન
૧ કિલો ૫૫૦ ગ્રામ, કિંમત રૃ. ૧૫,૫૦૦) ઝડપી
પાડયા હતા. પોલીસની પુછપરછમાં કરતા લીલા ગાંજાના છોડનું વેચાણ માટે પોતાના મકાનના
ફળીયામાં વાવેતર કર્યું હોવાની કબુલાત કરી હતી. એસઓજી પોલીસે ઝડપાયેલ શખ્સ વિરૃધ્ધ
ચોટીલા પોલીસ મથકે નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસઓજી ટીમ દ્વારા ગેરકાયદેસર લીલા ગાંજાના છોડનું
વાવેતર ઝડપાતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. આરોપીનો પૂર્વ
ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું કે તેની સામે અગાઉ પણ ૯ ગુનાઓ નોંધાયેલા છે. આમાં
પ્રોહિબિશન, જી.પી. એક્ટ, એમ.વી. એક્ટ
અને બી.એન.એસ. હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે.