સિહોરની વૃદ્ધાને છરી બતાવી સોનાના કાપ લૂંટી લેનાર ઝડપાયો

વૃદ્ધાના ઘરેણાં લૂંટીને અંકલેશ્વર ખાતે વેચી દીધાં હતા
મિલકત સંબંધી ગુનો કરવાના ઈરાદે રખડતા શખ્સને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી પુછપરછ કરતા ગુનો કબુલ્યો
સિહોર ખાતે રહેતા બાઘુબેન બચુભાઈ પરમાર ગત તા.૨૦-૧૦ના રોજ બપોરના સમયે સિહોર મુક્તેશ્વર મંદિરેથી દર્શન કરી ઘરે જતાં હતા ત્યારે એક સફેદ એક્ટિવા ચાલકે તેમને ભોળવી ગાડીમાં બેસાડી સોનગઢથી પાલિતાણા રોડ પર આવેલ ઘુમટી પાસે અવાવરું જગ્યામાં લઈ જઈ વૃદ્ધાએ કાનમાં પહેરેલા રૂ.૮૦ હજારની કિંમતના સોનાના કાપ લુંટી લીધાની ફરિયાદ સોનગઢ પોલીસમાં નોંધાઈ હતી. બીજી તરફ નાઈટ પેટ્રોલિંગમાં રહેલી લોકલ ક્રાઈમબ્રાંચની ટીમે અગાઉ ઘરફોડ ચોરી, લુંટ, ચોરી, મારામારી, હત્યા વિગેરે ગુન્હાઓમાં પકડાયેલ હસુમખભાઇ વાલજીભાઇ વાઘેલા (રહે.વડીયા રોડ,પાલીતાણા)ને સોનગઢમાંથી ઝડપી પુછપરછ કરતા તેણે વૃદ્ધાના સોનાના કાપ લૂંટી અંકલેશ્વર ખાતે વેચી દીધાં હોવાની કબુલાત આપી હતી. જે બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે સોનગઢ પોલીસને સોંપ્યો હતો. ઉલ્લેખનિયી છે કે, ઝડપાયેલા આરોપી સામે ભાવનગર અને બોટાદમાં અલગ-અલગ કુલ ૧૬ ગુના નોંધાયેલા છે.


