હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યામાં ફરાર શખ્સ ખંભાળિયાથી ઝડપાયો
દ્વારકા SOG અને હરિયાણા ટાસ્ક કોર્સનું સંયુકત ઓપરેશન : વોન્ટેડ સાંગવાન ગેંગના શૂટરોને વિદેશ નાસી જવા માટે બોગસ પાસપોર્ટ બનાવી આપનાર શખ્સની કલ્યાણપુર તાલુકામાં પણ એક ગુનામાં સંડોવણી
ખંભાળિયા, : હરિયાણા રાજ્યના પૂર્વ ધારાસભ્યની થોડા સમય પૂર્વે થયેલી ઘાતકી હત્યા પ્રકરણમાં આડકતરી રીતે સંડોવાયેલા એક શખ્સને એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા વિસ્તારમાંથી દબોચી લીધો હતો. આ શખ્સ સામે અગાઉ કલ્યાણપુર તાલુકામાં પણ એક ગંભીર ગુનો નોંધાઈ ચૂક્યો છે.
વિગત મુજબ ગત તારીખ 25 ફેબ્રુઆરી, 2024ના રોજ હરિયાણાના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ નેફસિંહ રાઠીની કોન્ટ્રાક્ટ કીલિંગ મારફતે અજાણ્યા શુટારો દ્વારા ગોળી મારીને જાહેરમાં હત્યા નિપજાવવામાં આવી હતી. આ હત્યા કેસમાં યુ.કે. બેઈઝડ ઓર્ગેનાઈઝડ કોન્ટ્રાક્ટર કિલિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપી કપિલ સાંગવાન દ્વારા તેની ગેંગના શૂટરો અતુલ રાજેશકુમાર સાંગવાન (રહે. ખેડી, જિ. જજ્જર) તથા નકુલ સાંગવાન (રહે. શિરોહી, જી. મહેન્દ્રગઢ) મારફતે આયોજનબધ્ધ રીતે હત્યા કરવામાં આવી હોવાનું જાહેર થયું હતું. તેમણે બનાવના પહેલાના થોડા દિવસો હત્યા કરીને વિદેશ ફરાર થઈ જવા માટે ગુજરાત તથા મહારાષ્ટ્રના અલગ-અલગ પાસપોર્ટ એજન્ટો મારફતે બોગસ દસ્તાવેજના આધારે પાસપોર્ટની પ્રક્રિયા કરીને આરોપી અતુલ રાજેશકુમારએ યશ સોલંકી તથા અન્ય આરોપી નકુલ સાંગવાનએ દીપક સોલંકી નામનો બોગસ પાસપોર્ટ મેળવી લીધો હતો. જે બનાવી આપનાર તરીકે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ખાતે રહેતા અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા જાહીર અબ્બાસ રાફુદીન અબ્દુલ કાદિર કાલીયા નામના 49 વર્ષના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું.
આ સંદર્ભે જાહીર અબ્બાસ કાલિયાની સામે હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લામાં થોડા સમય પૂર્વે આઈપીસી કલમ 419, 420, 467, 468, 471, 120 (B) અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને આશરે ચારેક મહિનાથી એ જુદા જુદા સ્થળોએ નાસતો ફરતો હતો. આ શખ્સ ખંભાળિયામાં આવ્યો હોવાની દ્વારકા એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર જોઈન્ટ ઓપરેશન હરિયાણાના એસ.ટી.એફ. (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ની ટીમ સાથે કરવામાં આવ્યું હતું. વળી, આરોપી જાહીર કાલીયા સામે કલ્યાણપુર તાલુકામાં પણ અગાઉ બોગસ પાસપોર્ટ અંગે ગુનો દાખલ થયેલો હોવાથી અટકાયત કરવામાં આવી હતી.