નાના ચિલોડા પાસે વાહનના ટાયર નીચે કચડાતાં યુવકનું ઘટના સ્થળે કરુણ મોત
પૂર્વમાં હિટ એન્ડ રનની ઘટનામાં નિર્દોષ યુવકને જીવ ગુમાવ્યો
મામાએ ફોન કરતાં અકસ્માતની જાણ થઇ
અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં બનાવ અકસ્માતમાં મોત અને હિટ એન્ડ રનના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ગઇકાલે નાના ચિલોડા પાસે વાહનના ટાયર નીચે કચડાતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. પોલીસ તપાસમાં ગાંધીનગર મામા ઘરે જમવા જવાનું હતું પરંતુ મોડી સાંજ સુધી ઘરે નહી પહોંચતા મામાએ ફોન કરતાં અકસ્માતની જાણ થઇ હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર મામાના ઘરે જમવા જવાનું હતું, મોડી સાંજ સુધી ઘરે નહી પહોચતાં મામાએ ફોન કરતાં અકસ્માતની જાણ થઇ
ગાંધીનગરમાં કરાઇ પાસે રહેતો યુવક ગઇકાલે સાંજે ઇલેકટ્રીક સ્કૂટર લઇને રણાસણ રેલવે ઓવરબ્રિજ થઇને નાના ચિલોડા તરફ જઇ રહ્યા હતા ત્યારે ઓવરબ્રિજ ઉતરતી વખતે અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે વાહન હંકારીને યુવકના સ્કૂટરને ટક્કર મારતાં નીચે પડી ગયા હતા.
આ સમયે વાહનનું ટાયર માથા ઉપરથી ફરી વળતાં માથું ફાટી જતાં લોહી લુહાણ હાલતમાં મોત થયું હતું. બીજીતરફ યુવક ઘરે એકલા હતા અને તેઓને ગાંધીનગર ખાતે રહેતા મામાના ઘરે જમવા જવાનું હતું. મામાના ત્યાં મોડી સાંજ સુધી નહી પહોચતાં મામાએ ભાણાના ફોન ઉપર ફોન કરતાં અજાણી વ્યક્તિેએ ફોન ઉપાડીને અકસ્માતની જાણ કરી હતી. અકસ્માત કરીને વાહન લઇને અજાણી વ્યક્તિ ભાગી ગઇ હતી. આ ઘટના અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.