- 6 ખેડૂતોને ઇજા થતાં સુરેન્દ્રનગર ખસેડાયા
- ચણાના ઉભા પાકમાં પશુઓને ચરાવતા ખેડૂતોએ માલધારીઓને રજૂઆત કરતા મામલો ઉગ્ર બન્યો
સુરેન્દ્રનગર : લીંબડીના બળોલ ગામે ખેડૂતો અને માલધારીઓ વચ્ચે બોલાચાલીમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં છ ખેડૂતોને ઇજા થતાં સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તાલુકાના બળોલ ગામે માલધારીઓએ ખેડૂતોના ઉભા ચણાના પાકમાં પશુઓ મૂકીને ચારી દેવામાં આવ્યા હતા. જેથી ખેડૂતો પોતાની વાડીએ ગયા હતા અને પાકમાં પશુ ચારી દેવામાં આવતા ખેડૂતોએ માલધારીઓને રજૂઆત કરી હતી અને મામલો વધુ ઉગ્ર બનતા માલધારીઓ ખેડૂતો પર ધોકાથી હુમલો કર્યો હતો.આ મારામારીમાં છ વ્યકતિને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના મામલે પાણશિણા પોલીસને ખેડૂતો દ્વારા વારંવાર માલધારીઓના ત્રાસ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે અને ખેડૂતોને ઉભા પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાથી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆતો કરી હતી.
આ ઉપરાંત સોનાની ચેન, મોબાઇલ ફોનની લૂંટ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે.


