Get The App

મલાતજના દંપતીને કેનેડાના વિઝા અપાવાના બહાને 14.15 લાખની છેતરપિંડી

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
મલાતજના દંપતીને કેનેડાના વિઝા અપાવાના બહાને 14.15 લાખની છેતરપિંડી 1 - image

- ભૂમેલ અને દિલ્હીના એજન્ટ સામે ફરિયાદ નોંધાઇ 

- બનાવટી જોબ લેટર બતાવીને તબક્કાવાર રૂપિયા પડાવ્યાં, વિઝાના કાગળો નહીં થતાં રૂપિયા પરત માંગતા આપ્યા ન હતા 

આણંદ : સોજીત્રા તાલુકાના મલાતજ ગામના એક યુવકને તેની પત્નીના કેનેડાના વર્ગ પરમિટ વિઝા અપાવાના બહાને ભૂમેલ તથા દિલ્હીના એજન્ટે કુલ રૂપિયા ૧૪.૧૫ લાખનો ચૂનો ચોપડયો હતો જે અંગે સોજીત્રા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 તાલુકાના મલાતજ ગામના વણકરવાસમાં રહેતા પંકજભાઈ દિનેશભાઈ શ્રીમાળીના મિત્ર સુરેશભાઈ બાબુભાઈ પરમારને ભૂમેલ ગામે રહેતા અને વિઝા કન્સલ્ટન્સીનું કામકાજ કરતા કમલેશભાઈ  શીવાભાઈ ઉર્ફે સીરીલભાઈ મેકવાન સાથે ઓળખાણ હોવાથી તેઓ પરિચયમાં આવ્યા હતા. દરમિયાન કમલેશભાઈએ ઇઝરાયેલ ખાતે રહેતી પંકજભાઈની પત્ની કેતલબેનના કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવી દેવાની વાત કરી હતી અને વિઝા પ્રોસેસ માટે ઓરીજનલ પાસપોર્ટની જરૂર પડશે તેમ કહેતા પંકજભાઈએ પોતાની પત્નીને ઇઝરાયેલથી પરત બોલાવી લીધી હતી. ત્યારબાદ કમલેશભાઈને કેનેડાના વર્ક પરમિટ વિઝાનું કામ સોપ્યું હતું. કમલેશભાઈએ ન્યુ દિલ્હીના પહાડગંજ ખાતે રહેતા રિતિકાબેન ભુપેન્દ્રભાઈ ડબ્બરને વિઝાનું કામ સોંપ્યું હતું અને તે પેટે પ્રથમ રૂપિયા પાંચ લાખ લીધા બાદ કમલેશભાઈએ પોતાના મોબાઈલમાં કેનેડાના વિઝાનો ફોટો બતાવ્યો હતો. ત્યારબાદ તેઓને દિલ્હી ખાતે મોકલી આપી રીતિકા ડબ્બરનો સંપર્ક કરાવતા તેણે મેડિકલ ટિકિટ માટેના પૈસાની માંગણી કરતા તેઓએ તે રકમ ઓનલાઈન મોકલી આપી હતી. બાદમાં રિતીકાએ તેઓને બનાવટી જોબ લેટર બતાવ્યો હતો અને આમ અલગ અલગ તારીખોએ કુલ ૧૪.૧૫ લાખ રૂપિયા મેળવી લીધા હતા.ત્યારબાદ કેનેડાના વિઝાનું આગળનું કોઈ કામકાજ થયું નહોતું જેથી પંકજભાઈએ પોતે આપેલા નાણા પરત માગ્યા હતા. જોકે ભૂમેલના કમલેશભાઈ મેકવાન તથા દિલ્હીના રિતિકાબેન ડબ્બરે નાણા પરત ન આપતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાતાં પંકજભાઈ શ્રીમાળીએ સોજીત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.