સરગવામાંથી મહિલાઓ અને બાળકો માટે ચોકલેટ બનાવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીની ઉમદા પહેલ : સ્વાસ્થ્યપ્રદ કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સયુક્ત આ ડાર્ક ચોકલેટમાં કેમિકલ અને ખાંડને બદલે મધ- ગોળ- સાકર
રાજકોટ, : ચોકલેટ બાળકોની અતિપ્રિય- ભાવતી વાનગી છે. ચોકલેટને માનવ સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. લોકો ઊલ્ટી, બ્લડ પ્રેશર લૉ થવાના કિસ્સામાં અને મહિલાઓ ખાસ સ્કીન માટે તેમજ માસિક ધર્મ દરમિયાન ડાર્ક ચોકલેટ ખાવાનું પ્રિફર કરે છે. આ બાબતને ધ્યાને રાખી રાજકોટમાં રહેતી અને મૂળ દેવભૂમિ દ્વારકાની વતની એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાયન્સ(કેમેસ્ટ્રી) વિભાગની વિદ્યાર્થિની કૃપા બોડાએ સ્વાસ્થ્ય વર્ધક મોરાઇક ડિલાઇટ નામની ચોકલેટ સુપર ફૂડ સરગવામાંથી બનાવી પેટર્ન અને સ્ટાર્ટઅપ મેળવવા માટે યુનિવર્સિટીમાં એપ્લિકેશન આપી છે.
સરગવામાંથી બનેલી ચોકલેટ સ્વાદિષ્ટ હોવાની સાથે મહિલા અને બાળકોની હેલ્થ માટે પણ ખૂબ સારી છે. અત્યારે મોટાભાગની મહિલાઓમાં જોવા મળતી કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સની ઉણપને દૂર કરવા માટે આ ચોકલેટ ઉપયોગી બનશે. ઘણા પેરેન્ટ્સ ચોકલેટની સાઇડ ઇફેક્ટને લીધે બાળકોને ચોકલેટ આપી શકતા ન હતા, હવે તેઓ તેમનાં સ્વાસ્થ્યસુધાર માટે ચોકલેટનો ઉપયોગ કરી શકશે. આ ચોકલેટની બનાવટમાં સામાન્ય ચોકલેટના ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થયો છે. તેના લીધે ચોકલેટ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ સરગવાને સેટ કરવા માટે તેમજ કેમિકલ અને સુગરની જગ્યાએ મધ, ગોળ અને સાકરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ પણ સામાન્ય ચોકલેટ જેટલી જ કિંમતમાં બની શકે છે પરંતુ સુગરની બદલે ગોળ વગેરેનો ઉપયોગ કરવાથી કિંમતમાં આંશિક વધારો થાય છે.
ચોકલેટમાંથી મળતા પોષક તત્ત્વો માનવશરીર માટે જરૂરી
આ ચોકલેટમાંથી વિટામિન એ, સી, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક, ફોલિક એસીડ, ફોસ્ફરસ જેવા તત્ત્વો મળે છે, જેના લીધે શરીરને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે.