Amreli News: અમરેલી જિલ્લાના ચિતલ અને ખીજડિયા વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સો દ્વારા અવરોધો ઊભા કરી ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જો કે, લોકો પાયલોટની સતર્કતાને કારણે સેંકડો મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન જ્યારે ચિતલથી ખીજડિયા તરફ જઈ રહી હતી, ત્યારે ટ્રેક પર અચાનક પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) પડેલા જોવા મળ્યા હતા. ટ્રેક પર આ વસ્તુઓ દેખાતા લોકો પાયલોટે ત્વરિત ઈમરજન્સી બ્રેક મારી ટ્રેનને થંભાવી દીધી હતી.
આ ઘટનાની જાણ થતા જ અમરેલી પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રેક પરથી પથ્થરો અને પોલ કબજે કરી ફોરેન્સિક તપાસની તજવીજ હાથ ધરી છે. આ હીચકારું કૃત્ય આચરનાર અજાણ્યા શખસોને પકડવા માટે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.


