Daman Fire News: દમણના કચીગામ ગામે રહેણાંક વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે સોમવારે (12 જાન્યુઆરી, 2026) સાંજે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ગોડાઉનમાં રહેલા સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતા બે મહિલા, એક બાળક સહિત છ વ્યક્તિઓ દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે.
દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પ્રાપ્ત માહિતિ અનુસાર, દમણના કચીગામ ગામે આવેલા ભંગારના ગોડાઉનમાં આજે સોમવારે સાંજે અચાનક આગ સળગી ઉઠી હતી. ગોડાઉનમાં રહેલા ગેસ સિલિન્ડરમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતા આગ વધુ વિકરાળ બની હતી. આગના લાગવાના કારણે ભારે અફરાતફરી મચી ગઇ હતી.

રહેણાંક વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી અને સ્થાનિકોના જીવ તાળવે ચોટી ગયા હતા. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કચીગામ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગબાજો માટે ખુશખબર: પવનની ગતિ રહેશે સાનુકૂળ, જાણો હવામાન વિભાગની આગાહી
આગના ધુમાડા આકાશમાં દૂર-દૂર સુધી ફેલાય જતાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ કારણ બહાર આવ્યું નથી, પણ આગ શોર્ટ શર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે.


