Major Drug Racket Exposed at Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટા ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન અંદાજે 12 કરોડ રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ ચાર શખસની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપીની હિલચાલ શંકાસ્પદ જણાતા તપાસ એજન્સીએ તેને અટકાવ્યા
મળતી માહિતી મુજબ, મલેશિયાથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ ઉતરેલા અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રિતની હિલચાલ શંકાસ્પદ જણાતા એજન્સીઓએ તેને અટકાવ્યા હતા. તેની કડક તપાસ અને તેમના સામાનનું સ્કેનિંગ કરતા તેમાંથી આશરે 12 કિલો 400 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ હાઈબ્રિડ ગાંજો વિદેશી માર્કેટમાં ખૂબ ઊંચી કિંમત ધરાવે છે અને ઈન્ટરનેશનલ બજારમાં તેની અંદાજિત કિંમત 12 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો આ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,ઝડપાયેલા આરોપીઓ પૈકી એક વ્યક્તિ વડોદરાનો વતની છે, જ્યારે બાકીના ત્રણ આરોપીઓ પંજાબના જલંધરના રહેવાસી છે. આ ચારેય આરોપીઓ બેંગકોકથી વાયા કુઆલાલુમ્પુર થઈને મલેશિયા એરલાઈન્સમાં આવ્યા હતા અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તેની સપ્લાય કરવાની પેરવીમાં હતા. હાલમાં ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે તેના તાર ક્યાં જોડાયેલા છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.


