માસ્ટર આઇડી આપનારા અને માધાપરના પાર્ટનર સહિત 17 સામે નોંધાયો ગુનો
ભુજના પ્રમુખ સ્વામીનગરમાં ઓધવ પાર્ક-૨માં રહેતો મીત ઉર્ફે બબુ (ઉ.વ.૩૧) તેની ક્રેટા કારમાં બેસીને ભુજ મુંદરા રોડ પર મોબાઇલ ફોન મારફતે ગ્રાહકો સાથે ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને બાતમી મળતાં વોચ ગોઠવીને ટ્રોલી મોલ પાસે દરોડો પાડીને કારમાંથી તેને ઝડપી લીધો હતો. આરોપીની તપાસ દરમિયાન તેની પાસે રહેલા મોબાઇલમાં ભૈબમેડડ નામની એપ્લિકેશનમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલતી લાઇવ સેમી ફાઇનલ મેચનું અપડેટ ચાલુ હતું. આરોપીથી મળેલા મોબાઇલમાં હીમાન્સુ કિલીંગર, મીત રાઠોડ, ગોપાલ ગઢવીના નામની ત્રણ માસ્ટર આઇડીઓ મળી આવી હતી. જેમાં હીમાન્સુની માસ્ટર આઇડીમાં રૂપિયા ૪૫,૩૪,૧૮૮ તથા બીજી માધાપરના મીત રાઠોડની માસ્ટર આઇડીમાં ૭,૪૮,૧૯૩ અને ત્રીજી ગોપાલ ગઢવી પાસેથી એક દિવસ પહેલા આઇડી લીધી હોવાનું હોવાની કેફીયત આપી હતી. તેમજ તે છેલ્લા ત્રણ વર્ષથી માધાપર રહેતા નીરજ પરમાર સાથે પાર્ટરશીપમાં ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. આરોપીની કારમાંથી રોકડ રૂપિયા ૩,૦૪,૦૦૦ અને ૬૦ હજારના બે મોબાઇલ તેમજ ૧૦ લાખની ક્રેટા કાર કબ્જ કરીને ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં મીત ઉર્ફે બબુ તથા તેના પાર્ટનર નીરજ પરમાર અને ત્રણ માસ્ટર આઇડી આપનાર તેમજ સટ્ટો રમતા ગ્રાહિકો સહિત ૧૭ લોકો સામે બી ડિવિઝન પોલીસ મથકે એસએમસીના હેઠ કોન્સ્ટેબલ લાખાભાઇ રામાભાઇ ઘાંઘરે ફરિયાદ નોંધાવી હતી. બી ડિવિઝન પોલીસે જુગારઘારાની કલમ તળે ગુનો નોંધીને બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.


