Get The App

મહેમદાવાદના ટ્રાન્સપોર્ટરની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયા બાદ જેલ હવાલે

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
મહેમદાવાદના ટ્રાન્સપોર્ટરની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયા બાદ જેલ હવાલે 1 - image


- અગાઉ બે મિત્રોને બિલોદરા જેલમાં ધકેલ્યા હતા

- 3 મિત્રો સાથે રિક્ષામાં આવ્યા બાદ નાણાં બાબતે હુમલો કર્યો હતો, વીડિયોના આધારે પોલીસ તપાસ

નડિયાદ : વસો તાલુકાના રણછોડપુરા સીમમાં તા.૧૯મીની રાત્રે મહેમદાવાદના ટ્રાન્સપોર્ટરને મિત્રોએ નાણાકીય લેતી દેતી બાબતે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવ અંગે વસો પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે ફરાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડી બિલોદરા જેલમાં મોકલી આપ્યો છે. 

મહેમદાવાદમાં રહેતા સલીમ મહેમુદ મિયા મલેક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતા. તા.૧૯મીની રાત્રે તેઓ મિત્રો સાથે રિક્ષામાં વસો તાલુકાના રણછોડપુરા સીમમાં આવ્યા હતા. 

જ્યાં મિત્રોએ તેમના પર ઘાતક હુમલો કરતા સલીમભાઈ લોહીલુહાણ હાલતમાં બચવા માટે નજીકમાં આવેલા રઇજીભાઇના ઘરે જઈ ખાટલામાં સુઈ ગયા હતા. જ્યાં રઇજીભાઈએ વીડિયો બનાવી લીધો હતો. હુમલાનો ભોગ બનેલા સલીમભાઈ મલેકે વાહનોની લે-વેચ કરતા હોવાનું અને તેમના મિત્રો રીક્ષાચાલક સાજીદ વહોરા, શકીલ મોહમ્મદ વહોરા ઉર્ફે મનુભાઈ આમલેટવાળા અને હિમાંશુ દેસાઈ સાથે રિક્ષામાં આવ્યા અને તેમના મિત્રોએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. 

વીડિયોના આધારે તપાસ હાથ ધરી તેમના ભાણિયા મહંમદ સહીદ મલેકની ફરિયાદના આધારે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી હત્યામાં સંડોવાયેલા સાજીદભાઈ વહોરા રિક્ષાવાળા તેમજ હિમાંશુ દેસાઈને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા બાદ બીલોદરા જેલમાં મોકલી આપ્યા હતા. જ્યારે ફરાર મુખ્ય આરોપી શકીલ મહંમદ વહોરા ઉર્ફે મનુભાઈ આમલેટવાળાને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી બિલોદરા જેલમાં મોકલી આપ્યો છે.

Tags :