બગડેલી જણસની નુકસાની વસૂલવા મહુવા યાર્ડના એજન્ટનું અપહરણ

- શહેર-જિલ્લામાં 36 કલાકમાં અપહરણની ત્રીજી ઘટના
- મોટા મુંજીયાસરના વેપારીએ અન્ય પાંચ શખ્સ સાથે મળી એજન્ટને પોતાની વાડીમાં ગોંધી રાખી માર માર માર્યો,પોલીસે મુક્ત કરાવ્યા
મહુવા માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ તુષારભાઈ જગદીશભાઈ જોષીને અમરેલીના મોટા મુંજીયાસર ગામના ઘનશ્યામભાઈ મનુભાઈ વઘાસિયા સાથે વર્ષ-૨૦૨૧થી વ્યાપારિક મુલાકાત થઈ હતી. આ દરમિયાન તુષારભાઈ મારફત ઘનશ્યામભાઈએ રૂ.૬૦ લાખની કિંમતના ડુંગળી, આદુ અને ગાજર અલગ-અલગ ત્રણ કોલ્ડ સ્ટોરેજમાં મુકાવ્યા હતા, કમિશન એજન્ટે ધ્યાન દોર્યું હોવા છતાં કોઈ દિવસ તેઓ પોતાની જણસ જોવા ગયા ન હતા. જો કે,આ સમય દરમિયાન જણસ પડી-પડી બગડી ગઈ હતી. આ દરમિયાન તેમણે કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ નહી ચુકવતા કોલ્ડ સ્ટોરેજવાળાએ તેમનો માલ બારોબાર વેચી દીધો હતા. આ નુકસાનની ભરપાઈ કરવા ઘનશ્યામભાઈ અવારનવાર કમિશન એજન્ટને ધાક ધમકી આપી હતી.જે બાદ ગત શનિવારે રાત્રિના મહુવા દિપક સોસયટી નજીકથી ઘનશ્યામ, કમલેશ ભાલીયા, મહેબુબ અલારખભાઈ શેખ, અલીભાઈ, અજય ચૌહાણ અને રાજુ જેન્તીભાઈ શિયાળે એજન્ટ તુષારભાઈનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ ગયા હતા. અને ત્યાં તેમને માર મારી મુંજીયાસર ગામે ઘનશ્યામ ની વાડીએ લઈ જઈ ઓરડીમાં બેસાડી દીધાં હતા. જે બાદ પૈસા માટે ઘરે જાણ કરતા તેમની પત્નીએ પોલીસને જાણ કરતાં મહુવા પોલીસે તેમને છોડાવ્યા હતા. આ અંગે તુષારભાઈ જોષીએ ઉક્ત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.









