પંક્ચર પડેલા ટેન્કર પાછળ મિનિ ટ્રક ઘૂસી જતાં મહુવાના ચાલકનું મોત
રાજકોટ નજીક કાગદડી ગામના પાટિયા પાસે : આધેડ ઇંડા ભરેલી મિનિ ટ્રક લઇ વાહનમાલિક સાથે ગાંધીધામ જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો : ટેન્કર ચાલક સામે ગુનો
રાજકોટ, : રાજકોટની ભાગોળે વધુ એક અકસ્માત સર્જાયો છે. કાગદડી ગામના પાટિયા પાસે બંધ ટેન્કર પાછળ મિનિ ટ્રક ઘૂસી જતાં મહુવાના મહમદઅકીલભાઈ નઝરુદ્દીનભાઈ શેખ (ઉ.વ.44)નું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે વાહન માલિક યુનુસખાન જહાંગીરખાન પઠાણ (ઉ.વ.39)ને ઇજાઓ પહોંચી હતી.કુવાડવા રોડ પોલીસે આ અંગે ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ મહુવામાં રહેતા અને મિનિ ટ્રકનું ડ્રાઇવિંગ કરતા મહમદઅકીલભાઈ છેલ્લા પાંચેક વર્ષથી ઇંડાનો ધંધો કરતાં યુનુસખાનને ત્યાં ડ્રાઇવિંગ કરતા હતા. બંને મહુવાથી મિનિ ટ્રકમાં ઇંડા ભરી કચ્છના ગાંધીધામ જવા રવાના થયા હતાં. આજે વહેલી સવારે બંને રાજકોટ નજીક કાગદડી ગામના પાટિયા પાસે પહોંચતાં રોડ વચ્ચે જ પાર્ક ટેન્કરની પાછળ તેનું વાહન ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મિનિ ટ્રકના આગળનો ભાગનો બુકડો બોલી ગયો હતો. જ્યારે ચાલક મહમદઅકીલભાઇનું મૃત્યુ નિપજ્યું હતું. આરોપીના ટેન્કરમાં પંકચર પડયું હોવાથી તેણે પોતાનું વાહન રોડની વચ્ચે જ કોઇ આડશ કે અન્ય વસ્તુ રાખ્યા વગર પાર્ક કરી દીધું હતું. આ સમયે ત્યાંથી નીકળેલા મિનિ ટ્રકના ચાલક મહમદઅકીલભાઈને સંભવતઃ અંધારાના કારણે આ ટેન્કર દેખાયું ન હોય સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. હાલ પોલીસે આરોપી ટેન્કર ચાલકને પકડવા કવાયત શરૂ કરી છે.