Get The App

મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્ર્જરીત હાલતમાં, તંત્રના આંખ આડા કાન

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્ર્જરીત હાલતમાં, તંત્રના આંખ આડા કાન 1 - image

- ઇન્સ્પેક્શન માટે આવતા અધિકારીઓ અને યાત્રાળુઓેને હાલાકી 

- મહુધા તાલુકાની રચના થયાને 28 વર્ષ ઉપરાંતનો સમય થવા છતાં અતિથિ ગૃહ બનાવવામાં ઠાગાઠૈયા 

નડિયાદ : રાજપાના શાસન દરમિયાન જિલ્લા-તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ તાલુકાનું વિભાજન કરી મહુધા તાલુકાની રચના કરવામાં આવી હતી. મહુધા તાલુકાની રચના કર્યાને ૨૮ વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી સરકારી અતિથિગૃહ બનાવવામાં આવ્યું નથી. બીજી બાજુ મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્જરીત હાલતમાં ફેરવાયો હોવાથી જાહેર ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ત્યારે તાલુકા મથક મહુધા ખાતે અતિથિ ગૃહ બનાવવા માંગણી ઊઠવા પામી છે.

ખેડા જિલ્લાના મહુધા ચોકડી પર વર્ષો જૂનો મુસાફર બંગલો આવેલો છે. આ મુસાફર બંગલો જર્જરીત હાલતમાં ફેરવાયો હોવાથી મકાનમાં પ્રવેશવું નહીં'નું જાહેર ચેતવણી દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ડાકોર રણછોડજી મંદિરના દર્શન કરવા જતા પદયાત્રીઓ આ સ્થળે રાત્રિ રોકાણ તેમજ આરામ કરવા ઉપયોગ કરતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વર્ષોે જુના મુસાફર બંગલા તરીકે ઓળખાતું મકાન જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયું છે. મહુધા ખાતે ઇન્સ્પેક્શન માટે આવતા અધિકારીઓ તેમજ ડાકોર દર્શન કરવા જતા પદયાત્રીઓને રાત્રે રોકાણ કરવાની સુવિધા છીનવાઈ જવા પામી છે. બીજી બાજુ રાજપાના શાસન દરમિયાન વર્ષ ૧૯૯૭માં જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું હતું, ત્યારે નડિયાદ તાલુકાનું વિભાજન કરી મહુધા તાલુકાની રચના કરવામાં આવી હતી. મહુધા તાલુકા મથક થતા સરકારી અધિકારીઓ તેમજ રાજકીય મહાનુભાવોની પણ અવરજવર રહે છે, આમ છતાં તેઓને રાત્રિ રોકાણ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. ત્યારે મહુધા વિધાનસભા વિસ્તારના ધારાસભ્યને રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે મહુધા ખાતે સરકારી અતિથિગૃહની સુવિધા ઉભી કરવા પ્રબળ લાગણી વ્યાપી છે.

મહુધા ખાતે અતિથિ ગૃહ બનાવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે : નાયબ કાર્યપાલક ઈજનેર 

મહુધા ખાતે આવેલો મુસાફર બંગલો બિસ્માર હાલતમાં હોવા અંગે રાજ્યના માર્ગ મકાન વિભાગ નડિયાદ સબ. ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કરતા વિવેકસિંહ જામે આ બંગલો અતિથિગૃહ નથી પરંતુ ઇન્સ્પેક્શન બંગલો છે, મહુધામાં સરકારી અતિથિ ગૃહ બનાવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. દરખાસ્ત મંજુર થયા બાદ અતિથિ ગૃહનું નિર્માણ કરવા કામગીરી કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.