Gujarat

મહેમદાવાદના બિલ્ડરોની ફ્લેટનો દસ્તાવેજ, 5 લાખ ના આપી ઠગાઈ

By GS TEAM
25 Sep 20251 min read
મહેમદાવાદના બિલ્ડરોની ફ્લેટનો દસ્તાવેજ, 5 લાખ ના આપી ઠગાઈ

- અમદાવાદના વકીલની છેતરપિંડીની ફરિયાદ

- સિદ્ધિવિનાયક મંદિર ખાતે વિઠ્ઠલ વિનાયક સ્કીમમાં ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દીધો

નડિયાદ : મહેમદાવાદના બિલ્ડરે સિદ્ધિવિનાયક મંદિરના મકાનો બનાવવાની સ્કીમ મૂકી હતી. જેમાં અમદાવાદના વકીલને રૂપિયા પાંચ લાખ લઈ ફ્લેટ વેચાણ આપવાનું કહી વેચાણ દસ્તાવેજ કરી ન આપી ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી નાખી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા ધર્મેશ કાંતિભાઈ પટેલ અને પિનલ વિપુલભાઈ પટેલે વિઠ્ઠલ વિનાયક કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરોએ મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર ખાતે વિઠ્ઠલ વિનાયક સ્કીમમાં મકાનો બનાવ્યા હતા. 

આ સ્કીમમાં સદાશિવ પીપલસકર (રહે. શિવ રજની ચાર રસ્તા, સેટેલાઈટ અમદાવાદ)ને રૂ.૨૨ લાખમાં ફ્લેટ આપવાની લાલચ આપી હતી. ફ્લેટ વેચાણ આપવા પેટે સદાશિવ પાસેથી રૂ.પાંચ લાખ ચેકથી લીધા હતા. 

ત્યારબાદ ફ્લેટનો વેચાણ દસ્તાવેજ કરી આપવા આનાકાની કરતા હતા. બાદમાં આ ફ્લેટ અંકુર બી. ગાંધીને વેચી નાખ્યો હોવાનું જાણ થઈ હતી. ધર્મેશ કાંતિભાઈ પટેલ તેમજ પીનલ વિપુલભાઈ પટેલે રૂપિયા પાંચ લાખ પરત ના આપી કે દસ્તાવેજ કરી ના આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સદાશિવ બાલકૃષ્ણ પીપળસકરે ફરિયાદ નોંધાવતા મહેમદાવાદ પોલીસે ધર્મેશ કાંતિભાઈ પટેલ તેમજ પિનલ વિપુલભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.