Gujarat

મહીસાગરની સુકા ટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ 'લેટ લતીફ', ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો

By GS TEAM
16 Dec 20252 mins read
TukuTouch Logo
મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના બોર ગામની સુકા ટીંબા પ્રાથમિક શાળામાં આજે શિક્ષણ કાર્યને અસર કરતી ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના આચાર્ય નિયત સમયે શાળાએ ન આવતા અને શાળાની ચાવી તેમની પાસે હોવાથી શાળા સમયસર ન ખૂલતા રોષે ભરાયેલા ગ્રામજનો અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

મહીસાગરની સુકા ટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ 'લેટ લતીફ', ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો

Primary School : મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના બોર ગામની સુકા ટીંબા પ્રાથમિક શાળામાં આજે શિક્ષણ કાર્યને અસર કરતી ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના આચાર્ય નિયત સમયે શાળાએ ન આવતા અને શાળાની ચાવી તેમની પાસે હોવાથી શાળા સમયસર ન ખૂલતા રોષે ભરાયેલા ગ્રામજનો અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો.

10 શિક્ષકોનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ બહાર બેસી રહ્યા 

પ્રાપ્ત વિગતો અનુસાર, શાળાનો સમય સવારે 10:30 વાગ્યાનો છે. આજે શાળાનો 10 જેટલો સ્ટાફ સમયસર ફરજ પર હાજર થઈ ગયો હતો અને વિદ્યાર્થીઓ પણ આવી પહોંચ્યા હતા. પરંતુ, શાળા ખોલવાની ચાવી જે આચાર્ય પાસે હોય છે, તેઓ 12 વાગ્યા સુધી શાળાએ આવ્યા ન હતા. પરિણામે, કલાકો સુધી માસૂમ બાળકો અને શિક્ષકોને શાળાના કમ્પાઉન્ડની બહાર બેસી રહેવાની ફરજ પડી હતી.

વોટ્સએપ પર રજા મૂકી, પણ ચાવીનું શું? 

ગ્રામજનોના આક્ષેપ મુજબ, આચાર્યએ પોતાની મનમાની ચલાવતા વોટ્સએપ પર રજાનો રિપોર્ટ મૂકી દીધો હતો, પરંતુ શાળાની ચાવી અન્ય કોઈ જવાબદાર વ્યક્તિને સોંપી ન હતી. જેના કારણે શાળા પ્રવેશોત્સવ ટાણે જ બંધ હાલતમાં જોવા મળી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આચાર્ય અવારનવાર મોડા આવે છે. આ અંગે અનેકવાર વિનંતીઓ કરવા છતાં તેમના વર્તનમાં કોઈ સુધારો ન થતાં આજે વાલીઓએ કંટાળીને શાળાને તાળાબંધી કરી દીધી હતી.

આચાર્યની બદલીની ઉગ્ર માંગ ઉલ્લેખનીય છે કે, આ જ શાળા અગાઉ પણ એક મહિલાની છેડતીના બનાવને લઈને વિવાદમાં આવી હતી. હવે આચાર્યની અનિયમિતતાને કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી હોવાથી વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આવા બેજવાબદાર આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.