મહિસાગરમાં ફક્ત કાગળ પર વિકાસ: પુલના અભાવે નાવડીમાં સવાર થઈ જાનૈયા સાથે વરરાજા પરણવા નીકળ્યા
Rathada Bet News : રાજ્ય સરકાર વિકાસના મોટા મોટા બણગાં ફૂંકે છે, ત્યારે ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જ્યાં આજ દિન સુધી પાકા રસ્તા, પુલ જેવી પાયાની જરૂરિયાતોનો અભાવ છે. આજે અમે તમને ગુજરાતના એક એવા ગામની વાત કરીશું. જ્યાં પુલના અભાવે વરરાજા હોડીમાં બેસી પરણવા નીકળ્યા છે. દરરોજ બાળકો જીવના જોખમે અભ્યાસ અર્થે હોડીમાં બેસીને જાય છે. ગ્રામજનોની વર્ષો જૂની પુલની માંગ આજ દિન સંતોષવામાં આવી નથી. અમે વાત કરી રહ્યા છે મહિસાગર જિલ્લાના કડાણાના રાઠડા બેટ વિસ્તારની, જ્યાં આજે પણ 'વિકાસ' નો પનો ટૂંકો પડ્યો છે. સ્થાનિકોને અવર-જવર માટે બોટ સિવાય કોઇ વિકલ્પ નથી.
વાત જાણે એમ છે કે રાજસ્થાનની સરહદે રાઠડા બેટ ગામ આવેલું છે. અહીંના લોકોની જમીન પર કડાણા ડેમના પાણી વળતાં જમીન બેટમાં ફેરવાઇ ગઇ છે. જેથી સ્થાનિક રહેવાસીઓ છૂટક મજૂરી માટે મજબૂર બન્યા છે. એટલું જ નહી અહીં વસતા લોકોના પાસે બાઇક બદલે ઘરે ઘરે બોટ જોવા મળે છે. કારણ કે અવર-જવર માટે બોટ એકમાત્ર વિકલ્પ છે. ત્યારે આ વિસ્તારના લોકો હાલત કેટલી કફોડી છે તે આ દ્વશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે.
અહીં લગ્ન પ્રસંગે વરરાજા હોડીમાં બેસી પરણવા નીકળ્યા હતા. વાજતે ગાજતે હોડીમાં જાન નીકળી હતી. આ દ્વશ્યો વિકાસની વાતો માત્ર કાગળ પર હોવાનો બોલતો પુરાવો છે. રાઠડા બેટ ગામના બાળકોને અભ્યાસ માટે જીવના જોખમે હોડીમાં બેસીને જવું પડે છે. સ્થાનિક રહીશો નદી પર પુલ બાંધવા તંત્ર સમક્ષ અનેક રજુઆત અને માંગ કરી ચૂક્યા છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે.