Get The App

મહિસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલના પ્રેમસંબંધનો ભાંડાફોડ, ફરજમાં ગંભીર બેદરકારી બદલ કડક કાર્યવાહી

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
મહિસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલના પ્રેમસંબંધનો ભાંડાફોડ, ફરજમાં ગંભીર બેદરકારી બદલ કડક કાર્યવાહી 1 - image
AI IMAGE

Gujarat Police News: મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટરઅને એક મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના કથિત લગ્નેત્તર સંબંધોની પોલ ખૂલી જતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ ગંભીર ઘટનાની નોંધ લેતા જિલ્લા પોલીસ વડા સફિન હસને તાત્કાલિક અસરથી બંને અધિકારીઓને ફરજ મોકૂફ કરી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે આડા સંબંધો હોવાની પ્રાથમિક તપાસમાં પ્રથમ દૃષ્ટિએ સામે આવ્યું હતું. આ ઉપરાંત બંને અધિકારીઓ દ્વારા ફરજ દરમિયાન ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ સમગ્ર મામલે ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ વડાના હુકમમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, જો આ બંને અધિકારીઓને તપાસ દરમિયાન ફરજ પર ચાલુ રાખવામાં આવે, તો તેઓ પોતાના સત્તાનો દુરુપયોગ કરીને પુરાવાનો નાશ કરી શકે તેવી પ્રબળ શક્યતા છે. આથી નિષ્પક્ષ તપાસ માટે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ વડા સફિન હસન દ્વારા લેવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે મહિસાગર જિલ્લા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે અને આ કિસ્સો ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો ખાતાકીય તપાસમાં બંને અધિકારીઓ કસૂરવાર સાબિત થશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. જેમાં ફરજિયાત નિવૃત્તિ અથવા નોકરીમાંથી બરતરફી જેવી ગંભીર સજા પણ થઈ શકે છે.