Mahisagar News: કહેવાય છે કે ભાઈ-બહેનનો સંબંધ અતૂટ હોય છે, પરંતુ મહીસાગર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે લોહીના સંબંધોને લજવ્યા છે. પોતાની પ્રેમિકાના ગીરે મૂકેલા દાગીના છોડાવવા માટે એક ભાઈએ પોતાની જ સગી બહેનના ઘરે હાથ સાફ કર્યો હતો. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
આરોપી સુરપાલ ખાંટ વ્યવસાયે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. ધંધામાં આર્થિક સંકડામણ આવતા અને ઓફિસ કે ઘરનું ભાડું ચડી જતાં તેણે નાણાંની વ્યવસ્થા કરવા માટે પોતાની પ્રેમિકાના સોના-ચાંદીના દાગીના ગીરે મૂક્યા હતા. સમય જતાં પ્રેમિકાના દાગીના છોડાવવાનું દબાણ વધ્યું, પરંતુ હાથમાં રૂપિયા ન હોવાથી તેણે ચોરીનો રસ્તો અપનાવ્યો હતો.

બહેનના વિશ્વાસનો ઉડાવ્યો ધજાગરો
આરોપી સુરપાલ તેની બહેનના ઘરે જ રહેતો હતો. બહેનને કલ્પના પણ નહોતી કે તેનો ભાઈ જ ઘરનો દુશ્મન બનશે. પ્રેમિકા પ્રત્યેનો આંધળો પ્રેમ એટલી હદે વધી ગયો કે સુરપાલે પોતાની બહેનના જ ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. બહેનના ઘરે ચોરી થતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો, પરંતુ જ્યારે તપાસમાં ભાઈનું નામ ખુલ્યું ત્યારે સૌના હોશ ઉડી ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ ઍરપોર્ટ પર હાઇ-ઍલર્ટ જાહેર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના
પોલીસે 3.39 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
ચોરીની ફરિયાદ બાદ મહીસાગર પોલીસ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને પૂછપરછના અંતે આરોપી સુરપાલ ખાંટની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 3,39,100 ની કિંમતનો મુદ્દામાલ (સોના-ચાંદીના દાગીના) જપ્ત કર્યો છે.


