લુણાવાડા નગરપાલિકા પર કોંગ્રેસનો હલ્લાબોલ, ભાજપ કોર્પોરેટરોએ લગાવ્યા જય શ્રી રામના નારા
Protest in Lunawada Corporation: મહીસાગર તાલુકાના લુણાવાડા નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે વિકાસના કામોની રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં માહોલ ગરમાયો હતો. રજૂઆત કરવા આવેલા કોગ્રેસના કોર્પોરેટરો અને જિલ્લા પ્રમુખોની વાત સાંભળવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બોલાચાલી દરમિયાન તંગદીલી સર્જાતા પોલીસની ટીમ પાલિકાની ઓફિસે પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વિકાસના કામો સારી ન થતાં હોવાથી કોંગ્રેસ કાર્યકર્તાઓ લુણાવાડા નગરમાં પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના કોર્પોરેટરો અને જિલ્લા પ્રમુખો સાથે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને ધારાસભ્ય અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
આ દરમિયાન ભાજપના સમર્થકો પણ લુણાવાડા નગર પાલિકાએ પહોંચ્યા હતા અને પાલિકા બહાર ભાજપ કોર્પોરેટર દ્વારા કોંગ્રેસ હાય હાય ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ત્યારે આ દરમિયાન ભાજપ પ્રમુખ કીર્તિ પટેલ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હર્ષદ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ જોડે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ચીફ ઓફિસરને નગરપાલિકા સાથે વિકાસના કામો બાબતે વાતચીત કરવા ગયા હતા અને વિકાસના કામો સારી રીતે થાય અને કોર્પોરેટરોનું પણ સાંભળવામાં આવે તે અંગે રજૂઆત કરવા ગયા હતા. પરંતુ તે સમયે ભાજપના લોકોએ વિરોધ નોંધાવતાં મામલો ગરમાયો હતો.